Accident: અરવલ્લીના ધનસુરાના અંબાસર પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, ધનસુરાના અંબાસર પાસે બાઈક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ દિપક સોલંકી, અજય પરમાર અને સિદ્ધરાજસિંહ સોલંકી તરીકે કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. યુવકોના મોતને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ છે. અકસ્માત સર્જનાર ડમ્પરનો ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ડમ્પર કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
4 લાખથી વધુ અકસ્માતો, 4.23 લાખ ઘાયલ, 1.71 લાખ લોકોના મોત
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) અનુસાર, વર્ષ 2022માં 4,46,768 માર્ગ અકસ્માતો થયા હતા. તેમાંથી 4,23,158 લોકો ઘાયલ થયા અને 1,71,100 લોકોના મોત થયા. કુલ માર્ગ અકસ્માતોમાંથી 45.5 ટકા ટુ-વ્હીલર્સના કારણે થયા છે. આ પછી કારથી થતા માર્ગ અકસ્માતોનો હિસ્સો 14.1 ટકા હતો. જેમાં મોટા ભાગના અકસ્માતો ઓવર સ્પીડને કારણે થયા હતા અને 1 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહેવાલ મુજબ, માર્ગ અકસ્માતો ગામડાઓમાં વધુ થયા છે.
4 મહિનામાં સુવિધા શરૂ થશે
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. આ સુવિધા આગામી 4 મહિનામાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. મંત્રાલયના સચિવ અનુરાગ જૈને એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, માર્ગ અકસ્માતને કારણે સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે. મોટર વ્હીકલ એક્ટમાં ફ્રી અને કેશલેસ મેડિકલ ટ્રીટમેન્ટનો નિયમ સામેલ છે. કેટલાક રાજ્યોમાં આ નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે તેને સમગ્ર દેશમાં લાગુ કરવાનો સમય આવી ગયો છે. તેથી અમે આરોગ્ય અને પરિવાર મંત્રાલયને સમગ્ર દેશમાં કેશલેસ સારવાર સિસ્ટમ લાગુ કરવા અપીલ કરી છે.
તમે ગોલ્ડન અવર દરમિયાન ગમે ત્યાં સારવાર મેળવી શકો છો
મોટર વ્હીકલ એક્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર આપવી જોઈએ. જો અકસ્માતના શરૂઆતના થોડા કલાકોમાં જ સારવાર મળી જાય તો અમે ઘણા લોકોના જીવ બચાવવામાં સફળ થઈશું. અકસ્માત પછીના પ્રથમ થોડા કલાકો ગોલ્ડન અવર કહેવાય છે. જો તે સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જવામાં આવે તો તેને તાત્કાલિક સારવાર મળે અને બચવાની શક્યતા વધી જાય.
શાળા-કોલેજોમાં રોડ સેફ્ટી કોર્સ લાગુ કરવામાં આવશે
રોડ સેફ્ટી અંગે જાગૃતિ વધારવા માટે સરકાર આ કોર્સ શાળાઓ અને કોલેજોમાં લાગુ કરવા જઈ રહી છે. આ ઉપરાંત, ભારત એનસીએપી પણ લાગુ કરવામાં આવી રહી છે. જેમાં સીટ બેલ્ટ રીમાઇન્ડર અને વાહનોમાં ટેક્નિકલ ફેરફારનો સમાવેશ થાય છે.