મહીસાગર: વીરપુરના ખરોડ અને જાંબુડી વચ્ચે જેસીબી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જેસીબી સાથે જોરદાર ટક્કર થતા યુવાનના છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે યુવાનના છાતીના ભાગે ખાડો પડી ગયો હતો. આશાસ્પદ યુવાનોનું મોત નીપજતા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માતની જાણ થતા વીરપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


વાવાઝોડા પર હવામાન વિભાગે કરી મહત્વની આગાહી


હવામાન વિભાગ અનુસાર 'બિપરજૉય' વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિ થઇ ચૂક્યું છે.  અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે.  હાલ વાવાઝોડું 1 હજાર 60 કિલોમીટરથી  દૂર છે. 'બિપરજૉય' વાવાઝોડાને લઇને હવામાન વિભાગે અગત્યની સૂચના આપી છે. હવામાન વિભાગ મુજબ  વાવાઝોડાની ગુજરાત પર આગામી 5 દિવસ સુધી કોઇ અસર થશે નહી પરંતુ 2 દિવસ બાદ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ વરસાદ પડવાની શક્યતા નહિવત છે. 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દમણ દાદારાનગર હવેલી સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  2 દિવસ બાદ હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં  ચોમાસુ કેરળમાં પહોંચી શકે છે. વાવાઝોડાની સ્થિતિને લઇને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. જો કે ગુજરાતમા વિધિવત ચોમાસાની શરૂઆતને હજુ સમય લાગશે.


ગુજરાતનાં તમામ બંદરોના કાંઠે બે નંબરનું સિગ્નલ


હવામાન વિભાગે માછીમારોને સમુદ્ર ન ખેડવા સલાહ આપી છે, કેમ કે દરિયામાં મોજાં ઉછળી રહ્યાં છે. 9મી અને 10મી જૂને ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આ વાવાઝોડું કાંઠે અથડાશે તો ભારે વરસાદ પડશે. વાવાઝોડાનો માર્ગ જોતા એ કદાચ 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી પણ શક્યતા છે. આ વાવાઝોડું ભયાનક રૂપ ધારણ કરી શકે છે. 7થી 9 જૂન સુધી દરિયો તોફાની બને અને દરિયામાં 60થી લઈને 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કાંઠા વિસ્તારમાં પણ 70 કિ.મી. સુધીની ઝડપનો પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાને કારણે જ ચોમાસુ 15મી જૂન સુધી મોડું પડી શકે છે.