Amreli : સૌરાષ્ટ્રના ગીર અભ્યારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આ સિંહો અવારનવાર રસ્તા પર જોવા મળે છે. ઉપરાંત શિકારની શોધમાં ક્યારેક તે માનવવસ્તીની વચ્ચે પણ આવી જાય છે, જેના વિડીયો આપણે અનેક વાર જોયા છે. પણ આજે 20 જૂને સિંહો સાથે સંકળાયેલી એવક એવી ઘટના ઘટી છે, જે કદાચ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે. આ ઘટના અમરેલી જિલ્લામાં બની છે.
બે સિંહો સાથે બે યુવાનોનો અકસ્માત
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક આ ઘટના ઘટી છે, જેમાં બે સિંહો સાથે બે યુવાનોનો અકસ્માત સર્જાયો છે. આ બે યુવાનો બાઈક પર આવતા હતા એ દરમિયાન રસ્તામાં બે સિંહો આડે આવતા બાઈકચાલાક યુવાને બેલેન્સ ગુમાવ્યું હતું અને બંને યુવાનો આ બે સિંહો વચ્ચે પડ્યાં હતા.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે આ બંને યુવાનો ત્યાં જ લોહીલુહાણ થઇ ગયા અને એમને આ હાલતમાં જોઈ સિંહો પણ ત્યાંથી ગભરાઈને ભાગી ગયા. સદનસીબે સિંહોએ આ યુવાનો પર હુમલો કર્યો ન હતો અને યુવાનો બચી ગયા હતા.
વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી
આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને યુવાનોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સિંહના લોકેશન મેળવવાની કવાયત શરૂ કરી હતી.