બનાસકાંઠામાં ધાનેરા-થરાદ હાઇવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં ધાનેરા-થરાદ હાઈવે પર કાર પલટી જતા ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સ્કોર્પિયો કાર કોઇ અન્ય કારનો પીછો કરી રહી હતી તે સમયે પલટી ગઇ હોવાની ચર્ચા ચાલી રહી છે . સ્કોર્પિયો કારની સ્પીડ એટલી વધારે હતી કે કાર ત્રણ દુકાનના શેડ અને શટર તોડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. જો કે હાલ તો પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને તપાસ શરૂ કરી હતી.
સુરતમાં સીટી બસે ટક્કર મારતા 18 વર્ષીય યુવકનું મોત
સુરતમાં અતસ્માતને કારણે વધુ એક વ્યક્તિનો જીવ ગયો છે. સુરતમાં સીટી બસે ટક્કર મારતા 18 વર્ષીય યુવકનું મોત થયું છે. ત્રણ મિત્રો બાઈક પર સવાર હતા. આ દરમિયાન ટ્રાફિક પોલીસને જોઈ BRTS રૂટ પર બાઈક નાખી ભાગવા ગયા હતા. ત્યારે જ પાછળથી પુરઝડપે આવી રહેલ સીટી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાદમાં સીટી બસ ચાલક રસ્તા બસ મૂકી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની ઘટનામાં 18 વર્ષીય ફરીદ શેખને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાર બાદ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ છે. અકસ્માત બાદ વેસુ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સીટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં 24 કલાકમાં હિટ એન્ડ રનની બે ઘટના સામે આવી છે. ખાનપુરના કામા હોટેલ પાસે દીકરીને સ્કૂલે મૂકવા આવતા મહિલાને ટક્કર મારી ચાલક ફરાર થઈ ગયો હતો. ફોર વ્હીલરની ટક્કરે મહિલાને ઈજા પહોંચી હતી. ફોર વ્હીલર ચાલક સામે બી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જયારે બીજી ઘટના રખિયાલ વિસ્તારમાં બની હતી.
રખિયાલના વડીયા કાકા સોસાયટી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. કાર ચાલક એક્ટિવા ચાલકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જેમાં એક્ટિવા ચાલકને માથામાં ઇજા થઈ હતી. ફરિયાદીએ એચ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.