Accident: બોટાદના કુંભારા ગામ પાસે પીકઅપ વાન પલટી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બે લોકોના મોત થયા હતા જ્યારે 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિકોએ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.


મળતી જાણકારી અનુસાર, વિંછીયાથી શ્રમિકો પિકઅપ વાનમાં બેસીને ધંધુકા તરફ જઇ રહ્યા હતા ત્યારે કુંભારા ગામ પાસે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી.


સુરતમાં ડમ્પરનો કહેર


સુરતમાં ફરી એકવાર ડમ્પરનો કહેર જોવા મળ્યો હતો. સુરતમાં બેફામ ડમ્પરે પિતા-પુત્રને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પુત્રનું મોત, પિતાને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.


સુરતમાં ભેંસાણ રોડ પર બાઇક પર જતા પિતા-પુત્રને ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે પિતાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 14 વર્ષીય દર્શન ભરવાડ નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. વિદ્યાર્થીના પિતાને પણ ગંભીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


નવસારીના ચીખલીમાં પણ અકસ્માત


નવસારીના ચીખલીમાં રફ્તારનો કહેર જોવા મળ્યો હતો. રાનકુવા ચાર રસ્તા પર ડોક્ટરે અકસ્માત સર્જ્યો હતો. બેફામ કાર ચલાવી તબીબે પાંચ વાહનો અને બે વૃદ્ધ દંપતિને અડફેટે લીધા હતા. ઈજાગ્રસ્ત દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માત સર્જનાર તબીબને સ્થાનિકોએ ઝડપ્યો હતો. ડોક્ટરની ઓળખ વાંસદાની ક્રિષ્ના હોસ્પિટલના ડૉ. ભૂપેન્દ્ર થોરાટ તરીકે થઇ છે. બેફામ કાર ચલાવનાર તબીબ દારૂના નશામાં હોવાની ચર્ચા છે.


બસ પલટી જતા 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

વલ્લભીપુર ભાવનગર હાઇવે પર એસ.ટી. બસે પલટી ગઇ હતી. ચોગઠ ઢાળ નજીક એસ.ટી. બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બસ પલટી જતા 20થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. 108 ની ટીમ અને વલ્લભીપુર પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.