Data On Electoral Bonds: ચૂંટણી પંચે અંતિમ તારીખના એક દિવસ પહેલા ગુરુવારે (14 માર્ચે) ચૂંટણી બોન્ડ અંગે SBI તરફથી પ્રાપ્ત ડેટા અપલોડ કર્યો હતો. ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટ તરફથી 15 માર્ચે સાંજે 5 વાગ્યા પહેલા વિગતો જાહેર કરવા સૂચના મળી હતી. તે જ સમયે, સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસરીને, SBIએ 12 માર્ચે ચૂંટણી પંચને ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત ડેટા પ્રદાન કર્યો હતો.


ચૂંટણી પંચે SBI દ્વારા આપવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી બે ભાગમાં રાખી છે. ચૂંટણી સંસ્થાના ડેટા અનુસાર, જે કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે તેમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંતા લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા ડબલ્યુ. , વેલસ્પન અને સન ફાર્મા. ખાસ વાત એ છે કે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી કંપનીઓમાં અદાણી, ટાટા અને અંબાણીની કંપનીઓ સામેલ નથી.


બોન્ડની વિગતોમાંથી ગુજરાતના ઉદ્યોગોએ પણ બોન્ડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. વિગતો અનુસાર રાજ્યની ટોરેન્ટ, ઝાયડસ, ઇઈન્ટાસ, એલેમ્બિકનો સમાવેશ આ યાદીમાં થાય છે. તો બીજી તરફ જાણીતી કંપની અરવિંદ, નિરમાનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ગુજરાત રાજ્યમાંથી સૌથી વધુ બોન્ડની ખરીદી રાજકીય અનુદાન આપવામાં ટોરેન્ટ જૂથની ફાર્મા અને પાવર કંપનીઓ અવ્વલ આવે છે. આ યાદીમાં કેટલાક વ્યક્તિગત રીતે બોન્ડની ખરીદી કરનાર ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.


કઈ કંપનીએ કેટલા બોન્ડની ખરીદી કરી


ટોરેન્ટ જૂથ – ૧૮૪ કરોડ રૂપિયા


વેલસ્પન જૂથ – પપ કરોડ રૂપિયા


લક્ષ્મી મિત્તલ – ૩૫ કરોડ રૂપિયા


ઈન્ટાસ – ૨૦ કરોડ રૂપિયા


ઝાયડસ – 29 કરોડ રૂપિયા


અરવિંદ – ૧૬ કરોડ રૂપિયા


નિરમા – ૧૬ કરોડ રૂપિયા


એલેમ્બિક – ૧૦ કરોડ રૂપિયા


કયા પક્ષોએ ચૂંટણી બોન્ડ્સ કેશ કરાવ્યા?


માહિતી અનુસાર, ચૂંટણી બોન્ડ કેશ કરનારા પક્ષોમાં BJP, કોંગ્રેસ, AIADMK, BRS, શિવસેના, TDP, YSR કોંગ્રેસ, DMK, JDS, NCP, TMC, JDU, RJD, AAP અને સમાજવાદી પાર્ટીનો સમાવેશ થાય છે.


ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ શું હતી, ક્યારે શરૂ થઈ હતી?


મોદી સરકારે 2018માં ચૂંટણી બોન્ડ યોજના શરૂ કરી હતી. ત્યારે સરકારે દલીલ કરી હતી કે આનાથી રાજકીય પક્ષોને મળતા ભંડોળમાં પારદર્શિતા આવશે. તેને રાજકીય પક્ષોને આપવામાં આવતા રોકડ દાનના વિકલ્પ તરીકે જોવામાં આવતું હતું.


ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ દ્વારા, એવા રાજકીય પક્ષો દ્વારા દાન પ્રાપ્ત થઈ શકે છે જે લોકો પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 29A હેઠળ નોંધાયેલા છે અને જેમણે છેલ્લી લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીઓમાં એક ટકાથી વધુ મત મેળવ્યા છે.