Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ એક્ટિવ થવાના કારણે રાજ્યમાં બારમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.  સાયક્લોનિક સિસ્ટમ  ફરી સર્જાતા હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણથી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.  ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.


સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે  હજુ પણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત રહે તેવો અનુમાન છે. ત્રણથી પાંચ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે. જ્યારે અરવલ્લીથી લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હજી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદનો અનુમાન છે. 5 જુલાઇ બાદ ભારે વરસાદની શક્યતા ઘટશે પરંતુ છૂટછવાયો સામાન્ય વરસાદ રહી શકે છે.  હવામાન વિભાગના અનુમાન મુજબ  6 જુલાઈથી 12 જુલાઈ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ વરસશે.


કયાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદામાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


વરસાદી એલર્ટને પગલે NDRF અને SDRFની ટીમોને  કચ્છ, જામનગર, જુનાગઢ અને નવસારીમાં સ્ટેન્જ બાય રખાઈ છે.  તો SDRFની બે ટીમને જૂનાગઢ અને જામનગર માટે સ્ટેન્ડબાય મૂકાઇ છે. નાગરિકો વિપરીત સ્થિતિમાં અટવાય ત્યારે બચાવ કામગીરી માટે પ્રશાસનનું આગોતરું આયોજન કર્યું છે. ફૂડ પેકેટ તૈયાર રાખવા અને જરૂર પ્રમાણે સ્થળાંતરની પણ સૂચના આપી છે.


અલગ અલગ ઠેકાણે વરસાદની દુર્ઘટનામાં છેલ્લા 2 દિવસમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે.  પંચમહાલમાં 4, આણંદ અને બોટાદમાં બે-બે... તો જામનગર, અરવલ્લી અને અમરેલીમાં એક એક વ્યક્તિના મૃત્યુની ઘટના થઇ છે.  કરંટ લાગવા સહીતની ઘટનામાં 64 પશુઓના અત્યાર સુધીમાં  મોત થયા છે.


અમદાવાદ શહેરમા જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, વાહનચાલકો અટવાયા


અમદાવાદ શહેરમાં શુક્રવાર  બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ભારે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પ્રહલાદનગર, એસજી હાઈવે, ઈસ્કોન, શિવરંજની, શ્યામલ, જીવરાજ પાર્ક, વાસણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.   શહેરમાં ઘૂંટણસમા પાણી ભરાતા કામ-ધંધા અને ઓફિસથી છૂટવાના સમયે જ વરસાદ વરસતા લોકો રસ્તામાં અટવાયા હતા.  રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી છે. શહેરના પૉશ એવા સાયન્સ સિટી, સોલા,  એસ. જી. હાઈવે સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.  એસ.જી હાઇવે, ઇસ્કોન ચાર રસ્તા અને પ્રહલાદનગરમાં ટ્રાફિક જામ થયો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial