Rain Forecast:18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની  હવામાન વિભાગે  આગાહી કરી છે. 17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં  ભારે વરસાદનો પણ અનુમાન છે.   દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.                             


ગુજરાતમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી ગુજરાતમાં વરસાદી માહોલ બને તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાકાંઠાના વિસ્તારમાં 17 જુલાઇ બાદ ભારે વરસાદ થઇ શકે છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમા ફરી એકવાર મેધરાજાની તોફાની બેટિંગ આફતરૂપ બની શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ  એટલે 17 જુલાઇ બાદ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો અનુમાન છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને 18 જુલાઇ બાદ વરસાદનું જોર વધવાની શકયતા છે.  આ દિવસોમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડવાનો અનુમાન છે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, અને દાહોદ તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.           


રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો  49. 21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 112, તો સૌરાષ્ટ્રમાં  66.48 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 50, દક્ષિણ ગુજરાતમાં 40, તો મધ્ય ગુજરાતમાં 36 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.પહેલા અને બીજા રાઉન્ડમાં ગુજરાતમાં સારો વરસાદ પડતા રાજ્યના કુલ 207 પૈકી 75 જળાશયો હાઈએલર્ટ પર છે. 15 જળાશયો એલર્ટ પર છે.  19 જળાશયો વોર્નિંગ પર છે.  રાજ્યના 207 જળાશયોમાં કુલ 50.37 ટકા જળસંગ્રહ છે.સારા વરસાદને પગલે  સૌરાષ્ટ્રના 21, કચ્છના આઠ, તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનું એક એક જળાશય ઓવરફ્લો થઇ ચૂક્યાં છે.