Rain Forecast: હવામાન વિભાગના અનુમાન મુજબ ઓફ શોર ટ્રફ, સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યભરમાં આગામી 3થી 4 દિવસ વરસાદ પડવાનો અનુમાન છે. આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આવતી કાલે  કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં મૂશળધાર વરસાદની શક્યતા છે.


 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 જુલાઈ સુધીમાં ભારે વરસાદનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 10થી 15 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે.  નવા નીરથી નદીઓ તોફાની બનશે.. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે.


 રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ 40 લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારમાં વાવેતર થયું હતું.  20.25 લાખ હેક્ટરમાં સૌથી વધુ કપાસ, તો 13.28 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.  15.11 લાખ હેક્ટર જમીનમાં તેલિબીયાના પાકનું વાવેતર થયું છે.


 ચોમાસાની સારી શરૂઆત ખરીફ પાકને ફળી છે. રાજ્યમાં 86 ટકા કપાસ, તો 70 ટકા મગફળીનું વાવેતર.. ધાન્ય પાકોનું સરેરાશ 8 ટકા, કઠોળ પાકોનું 11 ટકા વાવેતર થયું છે.ભારે વરસાદથી રાજ્યના જળાશયો પણ ઓવરફલો થયા છે.  27 જળાશયો હાઈએલર્ટ પર છે તો 11 એલર્ટ, તો 13 જલાશયો પર વોર્નિંગ પર છે. 206 પૈકી 155 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.ઉપરવાસમાં વરસેલા સારા વરસાદથી સરદાર સરોવર ડેમની જળસપાટી પહોંચી 122.84 મીટરે પહોંચી છે. ડેમમાં કુલ 57.31 ટકા જળસંગ્રહ છે. 23 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થતા વીજ ઉત્પાદનના CHPHના એક પાવર યુનિટને ચાલુ કરી દેવાયુ છે.


8 જૂલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસશે.  9 જુલાઈના કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં મૂશળધાર વરસાદ વરસશે.   10 જુલાઈના કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  11 જુલાઈના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.