Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ 23 તારીખની આસપાસ આંદમાનમાં એક સિસ્ટમ સર્જાશે અને તે સિસ્ટમ આગળ વધશે અને તે 23 સપ્ટેમ્બરે જ ફરી બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનશે જેની અસરથી ગુજરાતમાં 23 સપ્ટેમ્બર બાદ ફરી વરસાદની શક્યતા જોવાઇ રહી છે. હાલ સાયક્લોનિક સિસ્ટમ સર્જવાની શરૂઆત થઇ ગઇ છે જે બંગાળની ખાડી તરફ આગળ વધતાં તે પશ્ચિમ મધ્યપ્રદેશ જશે તો ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. આ સ્થિતિને જોતા ગુજરાતમાં 25 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં 23 અને 24 સપ્ટેમબરે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે. ઉપરાંત મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની શકયતા જોવાઇ રહી છે. જો આ સિસ્ટમ મજબૂત રીતે આગળ વધશે તો સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દરેક જિલ્લામાં વરસાદની પ્રબળ શક્યતા જોવાઇ રહી છે.
ગુજરાતના ક્યાં જિલ્લામાં આજે પડશે વરસાદ
ગુજરાતમાં આજે કેટલાક જિલ્લામાં આજે વરસાદનું (rain) અનુમાન છે. રાજ્યના 10 જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.સુરત, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદ વરસી શક છે.
રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. 25 અને 26 સપ્ટેમ્બર એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો અન્ય જિલ્લાના છુટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા વરસી શકે છે.
છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ગરમી વધી છે. રાજ્યમાં સૂર્ય પ્રકોપ શરૂ થતાં લોકો અકળાવી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો વધીને 36 ડિગ્રીએ પહોંચ્યો છે. અમદાવાદમાં 35.2 ડિગ્રી.. તો ભૂજ,ડીસા, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર છે.
વરસાદના વિરામથી રાજ્યના ઓવરફ્લો થયેલા જળાશયોની સંખ્યા ઘટી છે. 207 પૈકી રાજ્યના 110 જળાશયો છલોછલ છે... કચ્છ-સૌરાષ્ટ્રના 90, તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના 18 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. ઉત્તર ગુજરાતના બે જ જળાશયો ઓવરફ્લો છે.
206 પૈકી રાજ્યના 172 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે તો 90 ટકાથી વધુ ભરાયેલા 153 ડેમ હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 11 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે.