Gandhinagar: ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ઈમેઈલ કરી પત્ર લખ્યો છે. તેમાં રાજ્યમાં થયેલ અતિવૃષ્ટિના કારણે પશુપાલકોને થયેલ પશુહાની સામે તાત્કાલિક વળતર આપવાની સાથે નદીકાઠાં વિસ્તારમાં થયેલ જમીન ધોવાણનું તાત્કાલિક પૂરતું વળતર આપવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 8 જિલ્લા અને 68 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરવામાં આવી છે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ કરવામાં આવી છે.
પત્રમાં ખેડૂતો માટે 10 હજાર કરોડના પાક નુકશાની સહાય પેકેજની પણ માંગ કરવામાં આવી છે અને સાથે સાથે પત્રમાં તમામ ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સાથે તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો સરકાર માંગ નહિ સ્વીકારે તો આવનાર દિવસોમાં "ખેડૂત મહાપંચાયત" બોલાવવાની તૈયારી છે.
પાલ આંબલીયાએ પત્રમાં લખ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોને કુદરતી આપતીઓ સામે રક્ષણ આપતી યોજના પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ કરી દીધી ત્યારબાદ ગુજરાતના ખેડૂતો માત્ર સરકારની રહેમ અને દયા પર આધારિત થઈ ગયા સરકારે 20 ઓગસ્ટ 2020 ના રોજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા તે યોજના 2 વર્ષ પરિપત્ર આધારિત માત્ર કાગળ પર રહી ગુજરાતના એકપણ ખેડૂતને એકપણ રૂપિયાની સહાય આ યોજના મુજબ આપવામાં આવી નહિ. આમ ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને રામ ભરોસે છોડી દીધા.
ચાલુ વર્ષે ગુજરાતમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ એમ 6 જિલ્લાઓ અને અબડાસા 288% અંજાર 154%, ભુજ 143%, ગાંધીધામ 143%, લખપત 175%, માંડવી(કચ્છ) 310%, મુંદ્રા 242%, નખત્રાણા 234%, જોટાણા 147%, મહેસાણા 152%, વિજાપુર 143%, પ્રાંતિજ 142%, મોડાસા 143, દહેગામ 140, માણસા 155, નડિયાદ 202%, બોરસદ 166%, ખંભાત 169%, તારાપુર 173%, પાદરા 173%, સિનોર 154%, છોટાઉદેપુર 148%, ગોધરા 147%, મોરવા હડફ 153%, શહેરા 150%, ખાનપુર 144%, લુણાવાડા 140%, સંતરામપુર 157%, વીરપુર 152%, ધોરાજી 178%, જામ કંડોરણા 149%, લોધિકા 162%, રાજકોટ 146%, હળવદ 140%, મોરબી 156%, ટંકારા 190%, વાંકાનેર 177%, જામજોધપુર 189%, જામનગર 143%, જોડિયા 165%, કાલાવડ 192%, લાલપુર 156%, ભાણવડ 192%, દ્વારકા 390%, કલ્યાણપુર 219%, ખંભાળીયા 252%, કુતિયાણા 149%, પોરબંદર 211%, રાણાવાવ 183%, જુનાગઢ 152%, જૂનાગઢ સીટી 152%, કેશોદ 173%, માણાવદર 195%, કુંકાવાવ વડીયા 159%, ગારીયાધાર 144%, અંકલેશ્વર 154%, હાંસોટ 140%, નેત્રાંગવ 211%, ઝઘડીયા 140%, વાલિયા 249%, નાંદોદ 157%, સાગબારા 142%, તીલકવાળા 143%, પલસાણા 168%, ઉમરપાડા 166%, ડોલવણ 140%, ખેરગામ 176%, વલસાડ 139% એમ કુલ 68 તાલુકાઓમાં તો 140% થી લઈ 390% વરસાદ થયો છે.
તો બીજી તરફ 37 તાલુકામાં 130 થી 140% વરસાદ નોંધાયો છે એ ઉપરાંત મોટા ભાગના તાલુકા જિલ્લામાં 120% કરતા વધારે વરસાદ થયો છે એ સાબિત કરે છે કે ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવો જ જોઈએ. ગુજરાતના તમામ લોન ધારક ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ અને પશુપાલકોએ લીધેલ લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવે, ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, સૂકા ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, ઘેડ વિસ્તારનો જે પ્રશ્ન છે તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને ઘેડ વિકાસ નિગમ બનાવવામાં આવે, નદીકાંઠે આવેલા ખેતરોમાં ખૂબ મોટું નુકશાન થયું છે ત્યારે જમીન ધોવાણનું વળતર આપવામાં આવે.
આ ઉપરાંત ખેડૂતોને થયેલ પાક નુકશાની સામે SDRF સિવાય ઓછામાં ઓછું રાજ્ય સરકારના ભંડોળમાંથી 10 હજાર કરોડનું આર્થિક પેકેજ આપવામા આવે તે ઉપરાંત 10 ઓગસ્ટ 2020 ના દિવસે જ્યારે પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ કરી હતી ત્યારે ગુજરાતના 10-12 લાખ ખેડૂતોએ વર્ષ 2020-21 ના વર્ષનું અંદાજે 450 કરોડ કરતા વધારે રકમનું પાકવીમાં પ્રીમિયમ ભરી દીધા પછી આ યોજના બંધ કરવામાં આવી હતી પરંતુ ખેડૂતોએ ભરેલ તે પ્રીમિયમ હજુ સુધી પરત કરવામાં આવ્યું નથી તો તે પ્રીમિયમ વ્યાજ સાથે દરેક ખેડૂતોને પરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.