Rain Forecast: આગામી દિવસોમાં હજુ પણ વરસાદ લાવતી 2 સિસ્ટમ બનવાની છે. આ સિસ્ટમની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં કેવી થશે અને સિસ્ટમની રાજ્ય પર અસર થશે તો ક્યાં વિસ્તારમાં અને કઇ તારીખથી વરસાદ આવશે. જાણીએ વિગત.
હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લઇ રહી છે. 24 ઓક્ટોબરની આસપાસ લો પ્રેશર એરિયા બનશે અને હવામાન મોડલના આંકલન મુજબ કહી શકાય કે આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને આગળ વધીને તમિલનાડુ પર આવશે. જો આ સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી પસાર થશે તો આ સિસ્ટમ આગળ જતાં ગુજરાતમાં ફરીથી વરસાદ લાવશે. આ સિસ્ટમના કારણે 24 ઓક્ટોબર બાદ રાજ્યમાં વરસાદ વરસી શકે છે.
હાલની ગુજરાતના હવામાનની વાત કરીએ તો 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. તાપી, સુરત, વલસાડ નવસારી, ડાંગમાં વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે.
હાલ અરબી સમુદ્રમાં તૈયાર થઇ રહેલી વધુ એક સિસ્ટમની વાત કરીએ તો અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ પ્રેશર એરિયામાં ફેરવાઇ ચૂકી છે. લો પ્રેશર એરિયા મજબૂત થયા બાદ આ સિસ્ટમ ડિપ્રેશન બનશે. જો કે આ સિસ્ટમની અસર ગુજરાત તરફ ફંટાવવાની શકયતા નહિવત છે, તેથી આ સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવે તેવી હાલ તેવી શક્યતા નથી.
ચોમાસાની વિદાય બાદ, નવી સિસ્ટમ સક્રિય થવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ અને બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રની રચના થવાની ધારણા છે, જેના કારણે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં મોસમી ગતિવિધિઓ થઈ શકે છે. IMD અનુસાર, 19 ઓક્ટોબરના રોજ, ઉત્તર ભારતના રાજ્યોમાં હવામાન મોટે ભાગે ખુશનુમા રહેશે, દિવસ દરમિયાન હળવો સૂર્યપ્રકાશ રહેશે. જો કે, સપ્તાહના અંતે હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાં હળવા વાદળો ફરવાના સંકેતો છે, પરંતુ ભારે વરસાદની ચેતવણી નથી. જો કે, આ બધા વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે, જેનાથી ઠંડીનો અહેસાસ વધી શકે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા ભાગોમાં વાવાઝોડા સાથે ઝરમર વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને તીવ્ર ઠંડી પડશે. આગામી 48 કલાકમાં મધ્યપ્રદેશ, વિદર્ભ, કોંકણ, ગોવા અને મુંબઈમાં હળવો વરસાદ થવાની ધારણા છે. વધુમાં, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં વાદળછાયું આકાશ છવાયું છે અને મધ્યમથી ભારે વરસાદ અને પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન વીજળી પડવાના જોખમની ચેતવણી આપવામાં આવી છે.