gujarat road network: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત' ના સંકલ્પને 'વિકસિત ગુજરાત' દ્વારા સાકાર કરવાના દૃઢ નિર્ધાર સાથે, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹7,737 કરોડની જંગી રકમ મંજૂર કરી છે. આ ભંડોળ 124 વિવિધ કામો માટે ફાળવવામાં આવ્યું છે. આ યોજનાનું મુખ્ય આકર્ષણ 'ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર' છે, જે અંતર્ગત 809 કિલોમીટર લંબાઈના 9 નવા કોરિડોરનું નિર્માણ ₹5,576 કરોડના ખર્ચે કરાશે. આ કોરિડોર ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી બનાવશે. આ ઉપરાંત, માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેક્નોલોજીયુક્ત બનાવવા માટે પણ ₹1,147 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પગલાંથી રાજ્યમાં ઇઝ ઑફ ટ્રાન્સપોર્ટેશન વધશે અને આર્થિક વિકાસને વેગ મળશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ: વિકસિત ગુજરાત માટે રોડ નેટવર્કને સુદૃઢ બનાવવાનો નિર્ધાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ મજબૂત અને સુવિધાયુક્ત બનાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. તેમનો ધ્યેય 'ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન' દ્વારા વિકસિત ગુજરાત નું નિર્માણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારતના' સંકલ્પને સાકાર કરવાનો છે. માર્ગો અને પુલોના મહત્ત્વને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતને સલામત અને સુવિધા સભર માર્ગોની કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તારો સુધી મજબૂત રોડ નેટવર્ક પૂરું પાડવાના દિશાનિર્દેશો માર્ગ અને મકાન વિભાગને આપ્યા છે.
આ હેતુસર, મુખ્યમંત્રીએ વિવિધ યોજનાઓ હેઠળ કુલ 124 કામો માટે ₹7,737 કરોડ ફાળવવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે.
9 નવા ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોરનું નિર્માણ
રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય બનાવવા માટે 'ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર' તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ 809 કિલોમીટર લંબાઈના 9 હાઈસ્પીડ કોરિડોરના નિર્માણ માટે ₹5,576 કરોડ મંજૂર કર્યા છે.
- આ પૈકી, બગોદરા – ધંધુકા – બરવાળા – બોટાદ (92.23 કિલોમીટર) માટે ₹67.43 કરોડ, ઊંઝા-પાટણ-શિહોરી-દિયોદર-ભાભર (105.05 કિલોમીટર) માટે ₹858.39 કરોડ, દહેગામ – બાયડ – લુણાવાડા – સંતરામપુર – ઝાલોદ (167.54 કિલોમીટર) માટે ₹1,514.41 કરોડ અને સંતરોડ – દેવગઢ બારિયા – છોટા ઉદેપુર (64.05 કિલોમીટર) રોડ માટે ₹1,062.82 કરોડ જેવા મહત્ત્વના કોરિડોરનો સમાવેશ થાય છે.
આ નવા હાઈસ્પીડ કોરિડોરનું નિર્માણ થવાથી પરિવહન વધુ ઝડપી બનશે અને પી.એમ. ગતિશક્તિ યોજના અંતર્ગત લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો થશે, તેમજ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ માળખાગત વિકાસથી તેની આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસ અને વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળશે, સાથે જ પ્રવાસનને પણ વેગ મળશે.
ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેક્નોલોજીનો ઉપયોગ
મુખ્યમંત્રીએ રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ (આબોહવા પરિવર્તન સામે ટકી શકે તેવા) અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે પણ ₹1,147 કરોડ મંજૂર કર્યા છે. આમાંથી 271 કિલોમીટર લંબાઈના 20 કામો હાથ ધરવામાં આવશે.
આ રસ્તાઓના નિર્માણમાં વેસ્ટ પ્લાસ્ટિક, વ્હાઇટ ટોપિંગ, જીઓ ગ્રીડ, ગ્લાસ ગ્રીડ, ફ્લાય-એશ અને ગ્રીન ટેક્નોલોજી જેવી નવતર તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. તેના પરિણામે વધુ ટકાઉ અને મજબૂત માર્ગો બનશે, જેની લાઇફ-સાયકલ કોસ્ટમાં બચત થશે અને પર્યાવરણને અનુકૂળ હશે.
આ ઉપરાંત, તેમણે રાજ્યના રસ્તાઓની સપાટી સુધારણાના 79 કામો માટે પણ 803 કિલોમીટર લંબાઈમાં ₹986 કરોડની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના બજેટમાં જાહેર કરેલા 12 નવા હાઈસ્પીડ કોરિડોરમાંથી 9 ના નિર્માણ માટે મંજૂરી આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'જે કહેવું તે કરવું' ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે.