Morbi Tragedy: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં માતાના ગર્ભમાં ઉછરી રહેલ એક બાળક સહીત ૨૦ ભૂલકાઓ જેને માતા-પિતા કે કોઈ એકને ગુમાવ્યા છે તેવા બાળકોને છત્રછાયા પૂરી પાડવાના પ્રયાસના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન દ્વારા થાપણના સ્વરૂપમાં રૂપિયા ૫ કરોડ આપવાની જાહેરાત કરી છે.
સત્તાવાર રેકોર્ડ અનુસાર સાત બાળકોએ દુર્ઘટનામાં માતા અને પિતા ગુમાવતા નિરાધાર બન્યા છે અને ૧૨ બાળકો એવા છે જેમને માં-બાપ પૈકી કોઈ એકને ગુમાવ્યાં છે. અદાણી ફાઉન્ડેશન મોરબી જીલ્લા વહીવટી તંત્ર સાથે આ તમામ બાળકો અને પુલ દુર્ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર એક સગર્ભા મહિલાની કુખમાં ઉછરી રહેલ બાળક માટે પણ રૂ ૨૫ લાખની થાપણ ઉભી કરવા સંકલન કરી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, મચ્છુ નદી પર બાંધવામાં આવેલ એતિહાસિક ઝૂલતો પુલ ગત ૩૦ ઓક્ટોબરના રોજ તૂટી પડ્યો હતો જેમાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હતા. તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. પ્રીતિ જી અદાણીએ જણાવ્યું હતું કે મહામુલી જિંદગીનો ભોગ લેનાર કમનસીબ ઘટનાથી અતિ વ્યથિત છીએ અને પોતાના પ્રિયજનોને ગુમાવનાર લોકોના પ્રચંડ દર્દમાં અમારી સંવેદના વહેંચીએ છીએ. સૌથી વધુ ગંભીર ઈજાગ્રસ્તોમાં નાના બાળકો છે જેમાંથી ઘણાને હજુ સુધી માતા અથવા પિતા કે પછી માતાપિતા ક્યારેય ઘરે પાછા ફરશે નહિ ત્યારે નિરાધાર બનેલ બાળકોને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય અને પરિપૂર્ણ જીવન જીવવાનું સાધન ઉપલબ્ધ થાય તે માટે સંસ્થા કાર્ય કરી રહ્યું છે.
અદાણી ફાઉન્ડેશન રાહત કામગીરીના પ્રયાસોની દેખરેખ રાખતા સત્તાવાળાઓ સાથે પરામર્શમાં રહીને ૨૦ બાળકો માટે ચોક્કસ ભંડોળ સુરક્ષિત ફિક્સ ડીપોઝીટમાં મુકશે જેથી તેમની જરૂરિયાતોને ટેકો આપવા માટે વ્યાજની રકમ અકબંધ રહેશે. અદાણી ફાઉન્ડેશનના એકઝીકયુંટીવ ડાયરેક્ટર વસંત ગઢવીએ મોરબી જીલ્લા કલેકટરને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર આજે સુપ્રત કર્યો હતો.
જાણો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી ચૂંટણી લડશે તેવા સંકેતો મળી રહ્યા છે. શંકરસિંહ કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. શહેરા બેઠક ઉપરથી શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડશે તેવો સૂત્રોએ દાવો કર્યો છે. તો બીજી તરફ તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા બાયાડથી ચૂંટણી લડશે તેવો સૂત્રોનો દાવો છે. આ અંગે હજુ કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બાપુ કોંગ્રેસમાં જોડાવાના હતા. જો કે મલ્લિકાર્જુન ખડગેનો પ્રવાસ રદ્દ થતા હવે શંકરસિંહ વાઘેલા ક્યારે કોંગ્રેસમાં જોડાશે તે હજુ નક્કી નથી. અશોક ગેહલોત આજે અમદાવાદ આવશે અને આવતીકાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.