વેરાવળ : દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ અને વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ મંદિર ટ્રસ્ટમાં નિયુક્તિને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. સોમનાથ ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે અધિક કલેકટર યોગેન્દ્ર દેસાઈની નિમણુંક કરવામાં આવી છે. યોગેન્દ્ર દેસાઈ યોગેન્દ્ર દેસાઈ મૂળ જૂનાગઢના છે અને CMO માં ફરજ બજાવતા હતા.સોમનાથ ટ્રસ્ટમાં પી.કે.લહેરી સેકેટરી તથા ટ્રસ્ટી બન્ને કાર્યભારમાં હતા, હવે પી.કે. લહેરી માત્ર ટ્રસ્ટી તરીકે કાર્યરત રહેશે.PM નરેન્દ્ર મોદીના અઘ્યક્ષ સ્થાને તાજેતરમાં મળેલી સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક
તાજેતરમાં 12 માર્ચના રોજ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતા તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની 121મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી ભવિષ્યએ સોમનાથ તિર્થ એક આદર્શ તિર્થ બને તે માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા. કોરોના સમયમાં તેમજ તાઉતે વાવાઝોડા દરમ્યાન સોમનાથ ટ્રસ્ટ એ કરેલી વિવિધ સામાજીક સેવાઓની નોંધ લેવામાં આવી. સોમનાથ તિર્થમાં ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને રાખીને સર્વાંગી અને સંપુર્ણ આયોજન કરવા માટે જાણીતા આર્કિટેક બિમલભાઇ પટેલ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પાર્વતી માતા મંદિર, સફારી સર્કલ થી રામ મંદિરનો રસ્તો, ત્રિવેણી ઘાટનો વિકાસ, પીલગ્રીમ પ્લાઝા વિગેરે કામોની પ્રગતીની સમીક્ષા કરવામાં આવી.
આ સાથે જ તિર્થ પુરોહિતોના ચોપડાનું ડિઝીટાઇઝેશન અને યાત્રાળુઓ માટે વધારે સારી આવાસ અને ભોજનની વ્યવસ્થા વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું. સોમનાથ મંદિરના શિખરને સુવર્ણ મંડિત કરી સોમનાથની ભુતકાળની જાહોજલાલી પૂનઃ જીવીત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું
આ બેઠકમાં ગૃહમંત્રી અમીત શાહ, પ્રો. જે ડી પરમાર, હર્ષવર્ધન નિઓટીયા અને પ્રવિણભાઇ લહેરીએ રૂબરૂ હાજરી આપી અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજીએ ઓનલાઇન હાજરી આપી હતી.