ગાંધીનગર:  ગુરુવારે ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે, હવે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા પ્રાથમિક શાળાથી જ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે. આજે રાજયના શિક્ષણ વિભાગે આ અંગે પરીપત્ર બહાર પાડ્યો છે. નોંધનિય છે કે, નવી રાષ્ટ્રીયશિક્ષણ નિતિ અનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સિધ્ધાંતો અને મુલ્યોના પરીચય કરાવતા અભ્યાસક્રમ ભણાવાશે. વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો સમાવેશ કરાશે.


કર્મો રાવણ જેવાઃ
ગુજરાત રાજ્ય સરકારના આ નિર્ણય બાદ હવે આ મુદ્દે રાજનીતિ શરુ થઈ ગઈ છે. આજે દિલ્લીની આમ આદમી પાર્ટી સરકારના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ નિવેદન આપ્યુ છે. સિસોદીયાએ કહ્યું કે, "તેમના (ગુજરાત સરકાર) કર્મો રાવણ જેવા છે અને તેવો ગીતા વિશે વાત કરે છે."


સરકારનો નિર્ણય સારોઃ
મનિષ સિસોદીયાએ આજે હોળીના તહેવારની ઉજવણી કરી હતી ત્યાર બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, "શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવાનો આ નિર્ણય ખુબ સારો છે. પરંતુ આ નિર્ણયને લાગુ કરવાવાળા લોકોએ પ્રથમ ગીતાના ઉપદેશોનું પાલન કરવું પડશે. તેમના (ગુજરાત સરકાર) કર્મો રાવણ જેવા છે અને તેવો ગીતા વિશે વાત કરે છે."


ગઈકાલે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યની શાળાઓમાં ભગવદ ગીતાના પાઠ ભણાવવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ વર્ષ 2022-23થી ભગવદ ગીતાને ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓના સિલેબસમાં ભણાવવામાં આવશે. ભગવતદ ગીતાના અલગ અલગ ભાગો ભણાવવામાં આવશે. જેમા ભગવદ ગીતાના સ્લોકો, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવશે. શિક્ષણ મંત્રીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગનું બજેટ વધાર્યુ છે. આ ઉપરાંત ભવિષ્યની પેઢી તૈયાર કરવા માટેની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. 22 ગણું વધારાનું બજેટ રાજ્ય સરકારે આ વખતે શિક્ષણ વિભાગમાં જાહેર કરાયું છે. એટલું જ નહીં છેલ્લા બે વર્ષમાં માત્ર 87 શાળાઓ જ બંધ થઈ છે અને 200 જેટલી શાળાઓ જ મર્જ થઈ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, શૂન્ય વિધાથી વાળી જ શાળાઓ બંધ કરી છે. આ ઉપરાંત અગ્રેજી શિક્ષણને પ્રોત્સાહન આપવાનું પણ નક્કી કરાયું છે.