કોરોના વાયરસ રાજ્યની છ મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થવાની જ રાહ જોઈ રહ્યો હોય તેમ જેવી ચૂંટણી પૂર્ણ થઈ કે તરત જ કોરોનાના કેસમાં સતત વધારો થવા લાગ્યો છે. રાજ્યમાં ગુરૂવારે આરોગ્ય વિભાગે જાહેર કરેલા છેલ્લા 24 કલાકના આંકડા મુજબ નવા 424 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન એકનું મૃત્યુ નિપજ્યુ છે.


છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસમાં 22 ટકાનો ઉછાળો જોવા મળ્યો. 23 ફેબ્રુઆરે રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 348 હતી. જો કે રાહતની વાત એ જરૂર છે કે હજુ રાજ્યના સાત એવા જિલ્લા છે જ્યાં એકપણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. જેમાં બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપીનો સમાવેશ થાય છે.

કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓનો કુલ મૃત્યુઆંક 4408 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં હાલ કોરોનાના કુલ કેસનો આંક ૨,૬૮,૫૭૧ છે જ્યારે છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના નવા ૨,૨૭૪ કેસ નોંધાયા છે. આ ઉપરથી જ રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિનો અંદાજ મેળવી શકાય છે.

ગઈકાલે નોંધાયેલ કુલ કેસમાં જે જિલ્લામાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા છે તેમાં વડોદરા ૮૯ સાથે મોખરે છે. વડોદરા શહેરમાં ૭૯ જ્યારે ગ્રામ્યમાં ૧૦ નવા કેસનો સમાવેશ થાય છે. સુરત શહેરમાં ૭૯-ગ્રામ્યમાં ૮ સાથે ૮૭, અમદાવાદ શહેરમાં ૭૧-ગ્રામ્યમાં ૪ સાથે ૭૫ નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં અત્યાર સુધી 8,19,801 લોકોને પ્રથમ ડોઝ અને 1,15,338 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.