ગીર સોમનાથઃ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે, ગીર ગઢડા તાલુકામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. નિતલી ગામની નદીમાં પુર આવતાં વરજાંગભાઈ માલધારીની બે ભેંસો તણાઈ ગઈ હતી.

ગીરના જંગલ વિસ્તારમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતાં રાવલ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ખીલાવડ, ધોકડવા, નગડીયા, જસાધર, બેડીયા, મોતીસર, ચીખલકુબા, નિચલી ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તુલશીશ્યામની આસપાસના ગામડામાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો.



સાહિ નદીમાં ઘોડાપુર આવતાં નગડીયા, શરોસણી, અંબાડા, વાજડી સહિત છ ગામો સંપર્ક વિહોણો બન્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધારે સરેરાશ વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં આ વર્ષે સરેરાશ 255 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 163 ટકા વરસાદ પડ્યો છે.  ઉત્તર ગુજરાતમાં 104 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 88.50 ટકા વરસાદ પડ્યો છે.