CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા હવે ગુજરાત બોર્ડની પરીક્ષા અંગે આજે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ગુજરાત બોર્ડે મંગળવારે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10માં રીપીટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પરંતુ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવતા આજે મળનાર કેબિનેટ બેઠકમાં પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવો કે પરીક્ષા રદ કરવી તે અંગે નિર્ણય લેવાશે.


મંગળવારે ગુજરાત બોર્ડે કરેલા નિર્ણય પ્રમાણે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10 બોર્ડના રિપીટરની પહેલી જુલાઈથી પરીક્ષા યોજાશે. સાયન્સમાં પહેલી જુલાઈએ પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્ય પ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું રહેશે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ 3 કલાકનો જ રહેશે.


વિજ્ઞાન પ્રવાહના 100 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણના પ્રશ્નો વૈકલ્પિક-એમસીકયુ ઓએમઆર પદ્ધતિના રહેશે અને 50 માર્કના પ્રશ્નો વર્ણનાત્મક રહેશે. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જે અગાઉ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી છે તે જ પદ્ધતિ રહેશે એટલે વિદ્યાર્થીએ જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરી તે પ્રમાણે જ પરીક્ષા લેવાશે.


સામાન્ય પ્રવાહમાં કુલ 100 માર્કના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો વર્ણનાત્મક રીતે લેવાશે. સામાન્ય પ્રવાહમાં પણ પ્રશ્નો પૂછવાની પદ્ધતિ એટલે કે પ્રશ્નપત્ર સ્ટાઇલ પણ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે સત્તાવાર જાહેર કરાય તે પ્રમાણેની રહેશે. જે વિદ્યાર્થી કોરોના કે અન્ય કારણોસર પરીક્ષા નહીં આપી શકે એમના માટે 25 દિવસ પછી ફરી પરીક્ષા યોજાશે. જો કે આ પરીક્ષા યથાવત રાખવી કે રદ કરવી તે અંગે આજે મળનારી કેબિનેટ બેઠકમાં લેવાશે.


નોંધનીય છે કે, CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીની હાઈલેવલ બેઠકમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. COVID ને કારણે થતી અનિશ્ચિત સ્થિતિ અને વિવિધ હોદ્દેદારો દ્વારા મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, નિર્ણય કરવામાં આવ્યો કે આ વર્ષે બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં.


વડા પ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે ધોરણ 12 સીબીએસઈ પરીક્ષાઓ  અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે COVID-19 એ શૈક્ષણિક કેલેન્ડરને અસર કરી છે અને બોર્ડની પરીક્ષાનો મુદ્દો વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ચિંતા પેદા કરી રહ્યો છે.