કોરોના સંક્રમણમાં ઘટાડો થતા રાજ્યભરમાં ગુરુવારથી બાળમંદિર અને આંગણવાડી ખુલશે. કોરોનાની ત્રીજી લહેર શાંત થતા હવે શિક્ષણ પાટા પર આવવા લાગ્યું છે. રાજ્ય સરકારે 7 ફેબ્રુઆરીથી ધોરણ 1થી 9 સુધીનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ આજે 17મી ફેબ્રુઆરીથી પ્રિ-સ્કૂલ, બાળમંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આંગણવાડીમાં બાળકોના પ્રવેશ માટે વાલીઓની સહમતી લેવામાં આવશે અને SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાળ મંદિર, આંગણવાડી અને પ્રિ સ્કૂલ છેલ્લા ઘણા સમયથી બંધ હતી જે હવે વાલીઓની સહમતી સાથે ખુલશે. ઉલ્લેખનીય છે કે, ગત 6 જાન્યુઆરીએ 4213 કેસ આવતા 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.
7 ફેબ્રુઆરીથી 1થી 9 ઓફલાઈન શિક્ષણ શરૂ થયું
નોંધનીય છે કે, 7 ફેબ્રુઆરીથી ધોરણ 1થી 9 ઓફલાઈન શિક્ષણ શરુ કરવાની જાહેરાત કરી હતી. આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૭/૨/૨૨થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે, ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી પછી કોરોનાના કેસો વધતાં ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. જોકે, ફરી એકવાર કોરોના સંક્રમણ ઘટતાં કેન્દ્ર સરકારે રાજ્યોને સ્કૂલો ખોલવા મુદ્દે જાતે નિર્ણય લેવા માટે કહ્યું હતું. ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા ફરીથી સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પહેલા વર્ષ 2020માં સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી. પરંતુ એક વર્ષમાં જ ફરી કોરોનાનો કહેર વધતા 18 માર્ચ, 2021માં ચાર મહાનગરોમાં ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરી ઓગસ્ટમાં સ્કૂલો ખોલવામાં આવી હતી. પરંતુ ડિસેમ્બર 2021માં ત્રીજી લહેર શરૂ થતા જાન્યુઆરી 2022માં સ્કૂલો બંધ કરવામાં આવી હતી.