gujarat weather nowcast: ગુજરાતના હવામાનમાં ફરી એકવાર અચાનક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે તાત્કાલિક નવી આગાહી જારી કરીને રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 3 કલાક માટે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ આપ્યું છે. આગાહી મુજબ, સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધીના સમયગાળામાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 40 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે.

આ 11 જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગની નવી આગાહી મુજબ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મેઘરાજા ગાજવીજ સાથે તોફાની બેટિંગ કરી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ વિસ્તારોમાં વાતાવરણ ડહોળાશે અને વરસાદની સાથે સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની તેજ ઝડપે પવન ફૂંકાશે, જેથી સ્થાનિક લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

Continues below advertisement
Continues below advertisement

આ જિલ્લાઓમાં હળવા વરસાદ અને પવનનું અનુમાન

ભારે પવનવાળા વિસ્તારો સિવાય રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ છૂટોછવાયો અને હળવો વરસાદ જોવા મળશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા અને ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ અને અમરેલી જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પવનની ગતિ થોડી ઓછી રહેશે અને અંદાજે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

બપોરના 1 વાગ્યા સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો અને ગાજવીજવાળો માહોલ જોવા મળશે. લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને વરસાદી માહોલમાં વાહન ચલાવતી વખતે સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું

રાજકોટ જિલ્લામાં મેઘમહેર: જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ

રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ચિત્રાવડ અને બરડીયા સહિતના ગામોમાં સાંજના સમયે ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ચિત્રાવડ અને બરડીયાના રોડ ઉપર પાણી વહેતા થયા હતા, તેમજ ચિત્રાવડમાં વરસાદને પગલે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા.