અમદાવાદઃ ભારતીય રેલવેમાં પણ હવે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત દેશની બીજી પ્રાઈવેટ ટ્રેન ‘તેજસ એક્સપ્રેસ’ અમદાવાદ-મુંબઈ વચ્ચે 17 જાનયુઆરી શરૂ થવા જઈ રહી છે. જો તમારે ટીકિટ બુક કરાવવી હશે તો આઇઆરટીસી દ્વારા બુકિંગ પણ કરી શકો છો જે હાલ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

‘તેજસ એક્સપ્રેસ’માં પ્લેન જેવી કે તેનાથી વધુ સુવિધા આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ સાથે 7 સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલનો સમાવેશ થાય છે.

‘તેજસ એક્સપ્રેસ’ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે સવારે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ 1.10 વાગ્યે બપોરે પહોંચશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલથી 3.40 વાગ્યે બપોરે ઉપડશે અને અમદાવાદ 9.55 વાગ્યે સાંજે પહોંચશે. અંદાજે 6 કલાકમાં તેજસ એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ પહોંચશે. આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 160 કિ.મી.ની રહેશે.

‘તેજસ એક્સપ્રેસ’માં કુલ 10 કોચ રહેશે જેમાં 9 એસી ચેર કાર કોચ અને 1 એક્ઝિક્યૂટિવ કોચ રહેશે. આ ટ્રેન લક્ઝુરિય સુવિધાઓ આપવામાં આવશે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પેસેન્જરોને નાસ્તા અને ભોજન પણ આપવામાં આવશે જેનો ભાડામાં સમાવેશ કરવામાં આવશે.

એક્ઝિક્યૂટિવ કોચની તમામ 56 સીટો પર એલઈડી સ્ક્રીન મૂકાઈ છે. આ સાથે ઓટો સેન્સર ડસ્ટબિન, સીસીટીવી, ફાયર સેફ્ટીની સુવિધા પણ અપાઈ છે. તેજસ એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2,384 રૂપિયા રહેશે તેવું જાણવા મળ્યું છે.

ટ્રેનમાં વૃદ્ધો કે બાળકોને ઠંડી લાગે તો તેમને ચાદર પણ આપવામાં આવશે. ઓનબોર્ડ શોપિંગની પણ સુવિધા મળશે. આ સાથે ચા-કોફી અને પાણીનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. આ સાથે ટ્રેન એટેન્ડેન્ટસ તમારી મદદ કરશે.

આઈઆરટીસી વેબસાઈટ અને આઈઆરસીટીની એપ્લિકેશન દ્વારા બુકિંગ કરાવી શકશો. આ સાથે પ્રાયોગિક ધોરણે રેલવે સ્ટેશન પર આ ટ્રેન માટે અલગથી કાઉન્ટર મૂકવામાં આવશે. મુસાફરના ઘરેથી સામાન લઈ જઈ જે જગ્યા પર તમે જઈ રહ્યા છો તે જગ્યા સુધી સામાન પહોંચાડવાની સુવિધા પણ મળશે.