Heart Attack And Navratri News: ગુજરાતમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર સતર્ક થઇ છે. આગામી નવરાત્રિના મહાપર્વમાં ખેલૈયાઓને કોઇ તકલીફ ના પડે તે માટે સરકારે ખાસ સૂચનો આપ્યા છે. આજે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે, તેમને રાજ્યમાં કૉર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારોમાં આયોજકોને મેડિકલ કીટ રાખવા સૂચના આપી છે.


નવરાત્રિ 2023 આગામી દિવસોમાં શરૂ થઇ રહી છે, રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોની સ્થિતિને લઇને આરોગ્ય મંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે, કાર્ડિયાક અરેસ્ટ કેસ અને નવરાત્રિ સંદર્ભની ગાઈડલાઈન અંગે આરોગ્યમંત્રીનું મોટું નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, આ વર્ષે નવરાત્રિના આયોજકોએ મેડિકલ કીટ ખાસ રાખવી પડશે, 8 કૉર્પોરેશન અને 157 નગરપાલિકા વિસ્તાર માટે ખાસ માર્ગદર્શિકા રહેશે. ગાઇડલાઇન પ્રમાણે, આ વખતે ગરબાના સ્થળની નજીક 108ના પૉઇન્ટ ગોઠવવામાં આવશે, સાથે સાથે CPRની તાલીમ લીધેલા લોકોને ગરબા સ્થળે રાખવામાં આવશે, આ તમામ લોકોને હૉસ્પિટલમાં રાત્રીના 12 વાગ્યા સુધી હાજર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભાજપના ડૉકટર સેલના હોદ્દેદારો અને કાર્યકરો પણ ગરબા સ્થળે હજાર રહેશે. 


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, સુરત તેમજ નાના મોટા શહેરો અને ગામડાઓમાંથી સતત હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યાં છે. 


રાજકોટમાં 1 થી 4 ઓક્ટોબર સુધીમાં 63 લોકોને હાર્ટ એટેક આવતા ચિંતા પેઢી


રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત અને ઝડપી વધારો નોંધાઇ રહ્યો છે, રાજકોટમાંથી સામે આવેલી વિગતો અનુસાર, અહીં છેલ્લા અઠવાડિયામાં હ્રદય રોગના હુમલાના બનાવો 63ને પાર થઇ ગયા છે. આ આંકડો માત્ર ઓક્ટોબર મહિનાના પહેલા ચાર દિવસનો જ છે. ચાલુ વર્ષે આ કેસો 4500ને પાર થઇ જાય તો નવાઇ નહીં રહે. રાજકોટમાં હ્રદય રોગના હુમલાના કોસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજા રિપોર્ટ પ્રમાણે, રાજકોટમાં ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. ચાલુ વર્ષમાં સૌથી વધુ હાર્ટ એટેકના કેસો સપ્ટેમ્બર માસમાં 451 જેટલા નોંધાયા હતા, અને સૌથી ઓછા કેસો જૂન માસમાં 324 હાર્ટ એટેક કેસો નોંધાયા હતા. હાર્ટ એટેકના કેસોની વાર્ષિક વાત કરીએ તો વર્ષ 2021માં 2087 કેસો, 2022માં 3458 કેસો નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે 4 ઓકટોબર સુધીમાં 3512 નોંધાયા નોંધાઇ ચૂક્યા છે. ચાલુ વર્ષે આ આંકડો 4500ને પાર પહોંચે તેવી પુરેપુરી શક્યતા છે.