Nasvadi: નસવાડી તાલુકામાં આદિવાસી વિસ્તારમાં ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અંધેર વહીવટનો નમૂનો બહાર આવ્યો છે. સંખેડાના ધારાસભ્ય ગઢબોરિયાદ સામુહિક આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝીટ લેતા સરકારી તંત્રની પોલ ખુલી ગઈ હતી. હોસ્પિટલના દ્રશ્યો જોઈ ધારાસભ્ય પણ ચોકી ઉઠ્યા હતા.
નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિવાળી મહિલાઓને જમવાનું આપવામાં આવતું નથી. નવજાત શિશુને કપડાં પણ આપવામાં આવતા નથી તેમજ પ્રસુતિવાળા વોર્ડમાં પલંગના ગાદલા ફાટી ગયેલા તેમજ પલંગ ઉપર ચાદર પણ નહતી. સામુહિક આરોગ્ય કેન્દ્રની પાછળ મેડિકલ વેસ્ટનો કચરો નાખવામાં આવેલો હતો. આ તમામ વસ્તુઓ જોઈને ધારાસભ્ય ચોકી ઉઠ્યા હતા અને આરોગ્ય અધિકારીઓનો ઉઘાડો લીધો હતો.
સંખેડા વિધાનસભાના ધારાસભ્યને નસવાડી તાલુકાના લોકોએ ગઢ બોરિયાદના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અનેક સમસ્યાઓ હોવાની ફરિયાદ વારંવાર કરતા ધારાસભ્ય અભેસિંગ તડવી તેમજ ભાજપના તાલુકા પ્રમુખ સાથે ગઢ બોરિયાદ સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય પ્રસુતિવાળી મહિલા વોર્ડમાં જઈને તપાસ કરતા પ્રસુતિવાળી મહિલાઓએ ધારાસભ્યને રજુઆત કરી કે અમને પ્રસુતિ પછી જમવાનું પણ આપવામાં આવ્યું નથી. જયારે બાળક જન્મે ત્યારે નાના બાળકને બેબી કીટ સરકાર દ્વારા આપવામાં આવે છે તે પણ આપવામાં આવતી નથી.
આ ઉપરાંત વોર્ડની અંદર પ્રસુતિવાળી મહિલાઓ જે પલંગ ઉપર હતી તેના ગાદલા તૂટી ફાટી ગયેલા હતા. તે જોતા ધારાસભ્ય ચોકી ઉઠ્યા હતા ત્યાર બાદ ડોક્ટર ક્વોર્ટરની મુલાકાત લીધી હતી જેમાં ડોક્ટર વર્ષોથી રહેતા નથી અને ક્વાર્ટરમાં ભારે ગંદકી હતી જયારે કપાઉઉન્ડમાં પણ મેડિકલ વેસ્ટ નાખવામાં આવેલું હતું, જે જોઈને ધારાસભ્યએ મેડિકલ ઓફિસરનો ઉઘડો લીધો હતો.
સરકાર દ્વારા અનેક યોજનાઓમાં પ્રસુતિ મહિલાઓને બાળક તંદુરસ્ત રહે તે માટે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે પરંતુ નસવાડીના ગઢ બોરિયાદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાઓને આજ દિન સુધી કોઈ સુવિધા કે કોઈ લાભ મળ્યો નથી. જેથી ગર્ભવતિ મહિલાઓએ પ્રસુતિ થયા બાદ તેઓના પરિવારના લોકો ઘરેથી જમવાનું લાવીને પ્રસુતિવાળી મહિલાઓને આપે છે. સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે અને નેતાઓ સભાઓમાં સરકારના ગુણ ગાય છે. તે જ નેતાઓના વિસ્તારના સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા સાચી હકકીત બહાર આવતા નેતાઓ પણ ચોકી ઉઠ્યા છે જયારે જિલ્લા આરોગ્ય અધિકારી ઓફિસઓમાંથી બહાર નીકળતા ના હોવાથી જિલ્લાના સરકારી દવાખાનાઓની પરિસ્થિતિ જાણી શકતા નથી. જેના કારણે અંધેર વહીવટનું નમૂનો બહાર આવ્યો છે.