અમદાવાદઃ અમદાવાદમાં  335 કરોડ રૂપિયાના ખર્ચે સાત નવા ફલાય ઓવરબ્રિજના નિર્માણ કરવામાં આવશે. આ માટે 335 કરોડ રૂપિયાની ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ તમામ ફ્લાય ઓવરબ્રિજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બનાવવામાં આવશે. તે સિવાય સુરતમાં વધુ 10 ફ્લાય ઓવર અને રેલવે અંડર બ્રિજ બનશે જેમાં આઠ ફ્લાય ઓવરબ્રિજ અને બે રેલ્વે અંડરબ્રિજનો સમાવેશ થાય છે. આ વર્ષે 10 ટકા પ્રમાણે રૂ. 39 કરોડ સુરત મહાનગરપાલિકાને અપાશે.


અમદાવાદના જે સાત ફ્લાય ઓવરબ્રિજ માટે મુખ્યમંત્રીએ રકમ ફાળવી છે તેમાં વિવેકાનંદનગર રીવરબ્રિજ, વાડજ જંકશન ફલાય ઓવરબ્રિજ, પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રિજ ,પ્રગતિનગર જંકશન ફલાય ઓવરબ્રિજ, સતાધાર જંકશન ફલાય ઓવરબ્રિજ ,ઘોડાસર ફલાય ઓવરબ્રિજ તેમજ નરોડા પાટિયા જંકશન ફલાય ઓવરબ્રિજનો સમાવેશ થાય છે.રાજ્યના 2019-20ના અંદાજપત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 20 ફલાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવેલી હતી.

સુરતમાં સાઉથ ઇસ્ટ ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ,સાંઇબાબા મંદીર પાસે,ઉધના સ્ટેશન અને ચલથાણ વચ્ચે, લીંબાયત-નવાગામ ડીંડોલી વિસ્તારને જોડતા રેલ્વે અંડરપાસ, સાઉથ ઇસ્ટ લીબાયત ઝોન વિસ્તારમાં ડીંડોલી માનસરોવર પાસે રેલ્વે ઓવરબ્રિજ, અમરોલી સાયણ રોડ પર કોસાડ ક્રિભકો લાઇન એલ.સી. નંબર 05 ઉપર રેલ્વે ઓવરબ્રિજ,મોડલ ટાઉન સર્કલ જંકશન પર અંડરપાસ-ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. 2019 - 20ના બજેટમાં સુરત શહેર માટે સરકારે 10 ફલાય ઓવર રેલ્વે અંડરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવેલી છે.