ઉત્તર પશ્ચિમી પવનોને કારણે રાજ્યમાં હજુ ચાર દિવસ ગરમીનો અહેસાસ થશે. આગામી ચારથી પાંચ દિવસ સુધી શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.8 ડિગ્રી નોંધાયું હતું. બુધવારે શહેરમાં વાતાવરણ સ્વચ્છ રહ્યા બાદ ગુરૂવારથી સોમવાર સુધી વાદળિયા વાતાવરણના કારણે ગરમીથી થોડી રાહત મળી શકે છે. જોકે અસહ્ય બફારાનું પ્રમાણ યથાવત રહેવાનો અંદાજ છે. મંગળવારે અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.
ભારતમાં આ વખતે એક સપ્તાહ વહેલા ચોમાસુ બેસતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. નૈઋત્યનો વરસાદ એક જ સપ્તાહમાં કેરળથી મુંબઈ સુધી પહોંચી ગયો હતો. પરંતુ પછી અચાનક વાતાવરણે પલટો મારતા હાલ ઉત્તર ભારત આગ ઝરતી ગરમીમાં તપી રહ્યું છે. ચોમાસુ નજીક છે તેવા સમયે પણ માત્ર રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણામાં જ નહીં હિમાચ્છાદિત પર્વતોવાળા શ્રીનગરમાં પણ લોકો કાળઝાળ ગરમીથી પરેશાન થઈ ગયા છે.
દિલ્હીમાં લોકોને 47 ડિગ્રી જેટલી ગરમીનો અનુભવ થયો હતો. હજુ કેટલાક દિવસ સુધી લોકોને આ હીટવેવથી છૂટકારો નહીં મળે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીએ સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું હતું. મંગળવારના દિલ્લીમાં 45.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં સોમવાર સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો, જેને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.
આ તરફ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. પંજાબના ભટિંડામાં તાપમાન 47.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જેથી હવામાન વિભાગે ભયાનક હીટવેવની ચેતવણી આપી હતી. પશ્ચિમ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પણ તાપમાન 47.4 ડિગ્રી અને પૂર્વીય રાજસ્થાનમાં 46.3 ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. હરિયાણાના સિરસામાં તાપમાન 46.2 ડિગ્રી રહ્યું હતું. કાળઝાળ ગરમીથી માત્ર ઉત્તર ભારતના મેદાની પ્રદેશના લોકો જ પરેશાન છે તેવું નથી. હિમાલયના પર્વતોથી ઘેરાયેલું શ્રીનગર પણ હીટવેવનો સામનો કરી રહ્યું છે. કાશ્મીર ખીણના લોકોને મંગળવારે ગરમીથી કોઈ રાહત મળી નહોતી. શ્રીનગરમાં મંગળવારે તાપમાન સામાન્ય કરતા અનેક ડિગ્રી ઉપર રહ્યું હતું.