કોરોનાના પ્રકોપને કારણે 22 માર્ચથી એસટીની સેવા બંધ છે. આ પહેલા 20 મેના રોજ સવારે 7થી 6 સુધી ઝોન વાઈસ બસુ સેવા શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ અનલોક 1માં થોડી વધારે છૂટછાટ આપવામાં આવી હતી.
નિગમ દ્વારા પાઠવાયેલા પરિપત્ર મુજબ એક્સપ્રેસ , સ્લીપર અને ગુર્જર નગરી બસો તા.૧ જુલાઇથી દોડતી થઇ જશે. જિલ્લા-તાલુકાને જોડતી પોઇન્ટ-ટુ-પોઇન્ટ લોકલ સર્વિસ બસોનું સંચાલન હાથ ધરાશે. ગ્રામ્ય વિસ્તારોનું સંચાલન હાલ પુરતું હંગામી ધોરણે બંધ રખાશે.
એક્સપ્રેસ બસો પોઇન્ટ-ટુ-પોઇન્ટ, ડેપો-ટુ-ડેપો જ ઉપડશે. સસ્તામાં ઉભી રહેશે નહીં, મોટા પીકઅપ પોઇન્ટ પર ઉભી રખાશે. જોકે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ ગન ચેકિંગ અને માસ્ક પહેરવા સહિતની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
હાલમાં એસ.ટી.નિગમની ફક્ત ૩૦ ટકા બસોનું સંચાલન થઇ રહ્યું છે. આવકમાં ઘટાડો થતાં પ્રતિ કિલોમીટર રૂ.૧૦ કરતા ઓછી આવક તેમજ ૧૫ કરતા ઓછા મુસાફરો ધરાવતી એક્સપ્રેસ-લોકલ બસ સેવા બંધ કરવી અથવા દૈનિક ધોરણે રેશનાલાઇઝેશન કરવાની સુચના અપાઇ છે.
આજે સોમવારે યોજાનારી બેઠકમાં આ તમામ બાબતો અંગે અંતિમ નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.