Chhota Udepur  : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનો ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે. ગામના સરપંચે જ ભ્રષ્ટાચાર કર્યાના આરોપ  ગરીબ અને પછાત વર્ગના લોકોનું પણ ઘરનું સપનું પૂરું થાય તે માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે પરંતુ કવાંટ તાલુકાના કનલવા ગામે સરકારી ચોપડે લાભ મળ્યા બાદ પણ લાભાર્થીઓ જૂના જર્જરિત મકાનમાં જ રહેવા મજબૂર છે. 


ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામના સરપંચે જુના મકાનો ને જ નવા બતાવી તેના ઉપર આવાસના લાભ મળ્યાની જાહેરાત કરી દીધી અને લાભાર્થીઓના ખાતામાં આવેલા લાભના રૂપિયા તેમની પાસેથી બળજબરીથી લઈ લીધા, લાભાર્થીઓને ના તો નવું મકાન મળ્યું ના તો લાભના નાણાં.


એક જ મકાનમાં બે બે વખત લાભ લીધાના બોર્ડ મરાવ્યાં 
એટલું જ નહિ એક મકાનમાં તો બે બે વખત લાભ લીધાના બોર્ડ માર્યા છે. ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા એ છે એક જ મકાનના આગળના દરવાજે 2016-17 અને બીજું પાછળના દરવાજે 2019-20નું બોર્ડ માર્યું છે. 


15 વર્ષ પહેલા નિર્મિત નાનકડા અને જર્જરિત એવા એક રૂમના મકાનમાં એકબાજુ લાભાર્થી નાયક સેવસિંગભાઈ છોટિયાભાઈ જ્યારે બીજીબાજુ નાયક સેવસિંગભાઇ સોટિયાભાઈ નામ દર્શાવી બે વખત લાભ લીધાનો ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે.


ગામલોકો મુજબ આવી જ રીતે આવાસ યોજના હેઠળ અન્ય લોકોની સાથે સાથે સરકાર સાથે પણ છેતરપીંડી કરી સરપંચ અને સરકારી કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.


અન્ય સરકારી યોજનામાં પણ ભ્રષ્ટાચારના આરોપ 
કનલવા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જ  ભ્રષ્ટાચારના આક્ષેપ નથી પરંતુ રોડ રસ્તા, નાળા, શૌચાલય સહિત અનેક આદિવાસી ગામડાઓના ઉત્થાનની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયાનો ગ્રામજનો કહી રહ્યા છે.


ગામલોકો મુજબ કેટલાક કામો સ્થળ ઉપર થયા જ નથી, માત્ર કાગળ ઉપર જ કામ બતાવી ખિસ્સા ભરી લીધા છે, એટલું જ નહિ એક જ કામ ઉપર જુદી જુદી યોજનાના ત્રણ ચાર વાર લાભ લઈ ભ્રષ્ટાચાર કરાયો છે. આ અંગે અનેક રજૂઆતો કરી છતાં દોઢ વર્ષથી માત્ર તપાસ ચાલતી હોવાનો પ્રશાસન દ્વારા રટણ કરાઈ રહ્યા હોવાનો રોષ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.