Nadiad : ભારતીય જનતા પાર્ટી શાસિત નડિયાદ નગરપાલિકાનો નવો વિવાદ સામે આવ્યો છે. ભાજપ શાસિત નડિયાદ નગરપાલિકામાં મહિલા પ્રમુખના પતિ વહીવટ કરતા હોવાના આક્ષેપ લાગ્યા છે. નડિયાદ નગરપાલિકાના ઉપપ્રમુખ સહિતના સદસ્યોએ પ્રમુખ રંજન વાઘેલા પર આક્ષેપ કર્યા છે કે તેમની જાણ બહાર એજન્ડા નક્કી કરાય છે.
ભાજપામાં એક તરફ ચારે તરફ ચુંટણીની તૈયારી કરી રહ્યા હોવાના દ્રશ્યો દેખાઇ રહ્યા છે ત્યારે ખેડા જીલ્લાના વડુંમથક નડિયાદ નગરપાલિકાના પ્રમુખ દ્રારા જોહુકમી કરાતા હોવાનો આક્ષેપ ઉપપ્રમુખ કીન્તુ દેસાઈ દ્રારા કરવામાં આવ્યો છે. ઉપપ્રમુખ કીન્તુ દેસાઈએ પ્રમુખ પર આક્ષેપ કરતા કહ્યુ છે કે તેમની જાણ બહાર એજન્ડા નક્કી કરી બોર્ડમાં મંજુર કરવામાં આવે છે જે એક પ્રકારનો ગેરવહીવટ છે.
ભાજપ શાસિત નડિયાદ નગરપાલિકામાં કાઉન્સિલરોની જાણ બહાર ચાલતા વહીવટને લઈને ન માત્ર ઉપપ્રમુખ પરંતુ ટાઉન પ્લાનિંગ ચેરમેન પણ રજુઆત કરવા ગયા હતા. ટીપી ચેરમેન વિજય પટેલે કહ્યુ હતુ કે મહિલા પ્રમુખ રંજન બહેનના બદલે તેમના પતિ વહીવટ કરે છે ત્યારે ભાજપ પક્ષની છબી ખરડાય છે.
જે પ્રકારે ટીપી ચેરમેનના આક્ષેપ છે કે પ્રમુખના પતિ નગરપાલિકામાં વહીવટ કરે છે તે પ્રકારે પ્રમુખની બાજુની ખુરશીમાં પ્રમુખ પતિ પણ બેઠે છે, ત્યારે એ પણ સૌથી મોટો સવાલ છે કે પ્રમુખના પતિ ચંદ્કાન્ત વાઘેલા કઇ સત્તાથી આ પ્રકારે પ્રમુખની બાજુમાં બેસે છે?
વડાપ્રધાન મોદીએ કરી હતી ટકોર
ગત 11 માર્ચે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પંચાયત મહાસંમેલન યોજાયું હતું, જેમાં વડાપ્રધાન મોદીએ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને સરપંચ તેમજ આ ત્રણેય સંસ્થાઓના સદસ્યોને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાજ્યની પંચાયતોમાં 52 ટકા મહિલા સભ્યો છે. જે મહિલા સદસ્યોને જનતાએ ચૂંટ્યા છે તેઓ પોતાનું કામ પોતે જ કરે. અહીં વડાપ્રધાને હરિયાણાનું ઉદાહરણ આપ્યું કે હરિયાણામાં મહિલા સરપંચના પતિ તેના બદલે કામ કરે છે. વડાપ્રધાબે ટકોર કરી હતી કે ગુજરાતમાં આવું ન થાય.