Alpesh Thakor Supports to Vikram Thakor: ગઇ 10 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં કલાકારોના સન્માનનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ઠાકોર સમાજના કલાકારોને ઇગ્નૉર કરવામાં આવ્યા હતા, જેને લઇને વિવાદ થયો હતો. આ મુદ્દે ઠાકોર સમાજ અને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો અને સરકાર સામે પક્ષપાતી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. આ વિવાદમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ એન્ટ્રી મારી હતી, ભાજપ નેતાને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પણ મેદાનમાં આવ્યા છે. અલ્પેશ ઠાકોરે કલાકાર વિક્રમ ઠાકોરને સમર્થન આપ્યુ છે. તેમને સરકાર અને વિક્રમ ઠાકોર-કલાકારોના વિવાદ માટે અણવર બનવાની તૈયારી દર્શાવી છે. 


છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ચાલી રહેલા કલાકારોના વિવાદ પર મહત્વનું અપડેટ સામે આવ્યું છે. વિધાનસભામાં કલાકારોના સ્વાગત સન્માનનો વિવાદ વધુ વકર્યો છે, હવે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. અલ્પેશ ઠાકોરે સમગ્ર વિવાદ અંગે જણાવ્યું કે, સરકાર કલાકારોની સાથે છે, જો કોઇ કલાકારોને અન્યાય થયો હોય તો હું તેમના તરફથી અણવર બનવા તૈયાર છું. અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, કલાકારોને બોલાવવાનું પૂર્વ આયોજીત ના હતું, અમે વિક્રમ ઠાકોર સાથે સતત સંપર્કમાં છીએ, સરકાર કલાકારોની સાથે જ છે, જે કલાકાર આવ્યા હતા તે ખ્યાતનામ અને ગુજરાતનું રત્ન છે.


અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, આ સમગ્ર વિવાદ અને મુદ્દા પર સરકાર સાથે ચર્ચા કરીશું અને કલાકારોને સન્માન મળશે, અન્યાય કોઈ કલાકાર ને થયો હશે તો તેમના તરફથી અણવર બનવા તૈયાર છું. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, કેટલાક કલાકારો લૉબિંગ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં પણ થોડા સમય પહેલા વિવાદનો અલ્પેશ ઠાકોરે ઉલ્લેખ કર્યો હતો. કોઈનો પૉલિટીકલ હાથો ના બને અને તેમની સાથે સંવાદ કરી રહ્યા છીએ.


કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?
બનાસકાંઠા લોકોસભા સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર સામે પક્ષપાતી વલણને લઇને સવાલો ઉઠાવ્યા છે. ગેનીબેન ઠાકોરે વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના કલાકારોના સન્માનને લઇને સરકારે ઘેરી છે. ગેનીબેન ઠાકોરે આ મુદ્દે જણાવ્યુ કે, હુ ઠાકોર સમાજની સાથે છું, કલાકારોના મુદ્દે ઠાકોર સમાજ સાથે પક્ષપાત કરવામાં આવ્યો છે. ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે ભાજપની નીતિ છે. કલાકારો જે પણ નિર્ણય કરશે તેમાં હું તેમની સાથે જ છું. ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ જાણીતા લોકકલાકારો ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ અને કિંજલ દવે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.


વિક્રમ ઠાકર અને નવગણજી ઠાકોર નારાજ - 
વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્યારે તેમને જાણ થઈ કે વિધાનસભામાં કલાકારોનું સન્માન કરવામાં આવ્યું અને તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારને બોલાવવામાં આવ્યા નથી, ત્યારે તેમને દુઃખ થયું હતું. એક મિત્રએ પણ તેમને ફોન કરીને આ બાબતે ધ્યાન દોર્યું હતું, જેનાથી તેમની નારાજગી વધુ વધી હતી. નવઘણજી ઠાકોરે પણ આ બાબતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે, તમામ સમાજના કલાકારોને ગાંધીનગર બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા, પરંતુ ઠાકોર સમાજના કલાકારોને અવગણવામાં આવ્યા, જે યોગ્ય નથી.


વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે, જે કલાકારોને વિધાનસભામાં સન્માનિત કરવામાં આવ્યા તેઓ બધા જ સન્માનને યોગ્ય હતા, પરંતુ ઠાકોર સમાજના કલાકારો પણ સન્માનને યોગ્ય છે અને તેમની અવગણના થવી જોઈએ નહીં. તેમણે જણાવ્યું હતું કે, કલાકારોના જૂથ બની ગયા છે અને તેના કારણે ઠાકોર કલાકારોની અવગણના થઈ રહી છે. વિક્રમ ઠાકોરે સરકારને વિનંતી કરી હતી કે, જ્યારે પણ કલાકારો માટે કાર્યક્રમ યોજાય ત્યારે ઠાકોર સમાજના કલાકારોને પણ બોલાવવા જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, ઠાકોર સમાજ ખૂબ મોટો છે અને દરેક પક્ષને સમર્થન કરે છે, તેથી સમાજના કલાકારોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.


ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ જાણીતા લોકકલાકારો ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ અને કિંજલ દવે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વિક્રમ ઠાકોરની આ નારાજગી અને વેદના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે અને ઠાકોર સમાજના લોકોમાં આ બાબતે દુઃખ અને નારાજગી જોવા મળી રહી છે.


શું હતો સમગ્ર મામલો?
ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.


વિક્રમ ઠાકોરે કહ્યું કે, 'મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાછવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા....'