Bee attack Gabbar mountain: અંબાજી નજીકના ગબ્બર પર્વત પર આજે અચાનક મધમાખીઓએ ભક્તો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ૨૫થી વધુ ભક્તો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, ગબ્બર પર્વત પર મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા, ત્યારે અચાનક મધમાખીઓના ટોળાએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ ઘટનાને પગલે ગબ્બર પર્વત પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કેટલાક લોકોએ તો સ્થળ પરથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. મધમાખીઓ ઉડતા આખો ચોક ખાલી થવા લાગ્યો હતો અને ભક્તોમાં નાસભાગ મચી ગઈ હતી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે ગબ્બર પર્વત પર અવારનવાર ભક્તો મધમાખીના ડંખથી ઘાયલ થતા હોય છે. ત્યારે આજે ફરી આવી ઘટના બનતા યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલ ઘાયલ થયેલા તમામ ભક્તોની અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મધમાખી કેવી રીતે ડંખે છે, શું ડંખથી એલર્જી થઈ શકે છે અને લોખંડ ઘસવાથી ખરેખર ફાયદો થાય છે કે કેમ?

મધમાખી તેના મધ માટે જાણીતી છે, પરંતુ તેનો ડંખ પણ એટલો જ પીડાદાયક હોઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને મધમાખી ડંખે છે, ત્યારે તે તીવ્ર પીડા અને ડંખથી બેચેન થઈ જાય છે. એવામાં ઘણા લોકો એવું માને છે કે જ્યાં મધમાખીએ ડંખ માર્યો હોય ત્યાં લોખંડ ઘસવાથી તેમને આરામ મળે છે અને સોજો પણ આવતો નથી. તો ચાલો જાણીએ આ વાત પાછળનું સત્ય શું છે.

જ્યારે મધમાખી ડંખ મારે છે, ત્યારે તેનો ડંખ તેના શરીરમાંથી અલગ થઈ જાય છે અને વ્યક્તિના શરીરમાં ઘૂસી જાય છે, જેના કારણે તીવ્ર પીડા અને ડંખની લાગણી થાય છે. મધમાખીઓ સામાન્ય રીતે ત્યારે જ ડંખે છે જ્યારે તેઓ પોતાની જાતને અથવા પોતાના મધપૂડાને ખતરામાં જુએ છે. ઘણી વખત મધમાખીના ડંખથી લોકોને એલર્જીક પ્રતિક્રિયાઓ પણ થઈ શકે છે, જે ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ.

ઘણા લોકો એવું માને છે કે મધમાખી કરડેલી જગ્યા પર લોખંડ ઘસવાથી દુખાવો અને સોજો ઓછો થાય છે. કહેવાય છે કે જો મધમાખી કરડે તો તરત જ તે જગ્યા પર ચાવી, તાળું, લોખંડની સાણસી અથવા લોખંડનો કોઈપણ ટુકડો ઘસવો જોઈએ. તેનાથી દુખાવો અને સોજો બંનેમાં રાહત મળે છે. જો કે, આ એક પરંપરાગત માન્યતા છે અને તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ મળતું નથી. તેમ છતાં, ઘણા લોકો આ ઉપાયને અસરકારક માને છે.