અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ,  બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. આ લો પ્રેશર મધ્યપ્રદેશ સુધી આવતા ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  28થી 30 જૂલાઈ વચ્ચે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 


દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે


દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  કેટલાક ભાગોમાં 3થી 4 ઇંચ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 3થી 10 ઓગષ્ટ વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  


રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ


 રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરના છુટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. રેડ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા હોય છે.


અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી


આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ અને ભાવનગરમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ વિસ્તારો માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં સાડા ચારથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.


ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી


ભારે વરસાદ વરસી શકે તેવા જિલ્લાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ અને ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની સાથે ખેડા અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. આ તમામ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે. જ્યાં અઢીથી સાડા ચાર ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.