અમદાવાદ: રાજ્યમાં આ વર્ષે જોરદાર ચોમાસાની એન્ટ્રી થઈ છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં 5 જુલાઈથી 10 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
આજે 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બે જિલ્લાઓમાં બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. આજે અમરેલી, ભાવનગર,બનાસકાંઠા, મહેસાણા,મહીસાગર, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આજે પંચમહાલ, સુરતમાં વરસાદનું યલો એલર્ટ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં આગામી દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મઘ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા પોરબંદર, જામનગર સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા છે.
એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે 5 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં અતિભારે વરસાદની આગાહી છે. 6 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે 7 જુલાઈના રોજ દાહોદ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. 7 અને 8 જુલાઈએ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, દાહોદ, મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.
ગઈકાલે નખત્રાણામાં પડ્યો હતો ધોધમાર વરસાદ
ગઈકાલે પડેલા ધોધમાર વરસાદથી નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મૂશળધાર વરસાદથી હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભૂજ-નખત્રાણા-લખપત હાઈવે જળમગ્ન થતા બંન્ને બાજુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
નખત્રાણાના સુખપર રોહા ગામની બજારોમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યુ હતું. બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદી પાણીનો રસ્તો ગામમાંથી પસાર થતો હોવાથી બજારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી તો અબડાસાના સાયધણજર અને રેલડીયા મંજર વચ્ચે કોઝ વેની કામગીરી ચાલતી હોવાથી રસ્તો બંધ થયો હતો. વરસાદી પાણી ફરી વળતા લોકો અટવાયા હતા.