Ambalal Patel weather forecast: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. એક તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે, તો બીજી તરફ કચ્છ જેવા વિસ્તારો હજુ પણ સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે અને ચોમાસાની સિસ્ટમ કઈ તરફ આગળ વધી રહી છે, તે અંગેની નવી અને મહત્વપૂર્ણ આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાતમાં હજુ 1-2 દિવસ રાહત નહીં
વલસાડ, નવસારી, ડાંગ અને સુરતમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. અંબાલાલભાઈના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત પર છવાયેલી વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે. જોકે, આમ છતાં દક્ષિણ ગુજરાતના લોકોને હજુ 1 થી 2 દિવસ સુધી ભારે વરસાદથી કોઈ મોટી રાહત મળવાની શક્યતા નથી અને જળબંબાકાર જેવી હાલની સ્થિતિ યથાવત રહી શકે છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 100 mm સુધી ખાબકશે વરસાદ
હવામાનમાં સર્જાયેલી હળવા દબાણની સિસ્ટમ (લો-પ્રેશર) ધીમે ધીમે નજીક આવી રહી હોવાથી ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર વધશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ:
મધ્ય ગુજરાત: વડોદરા, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ અને ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 100 મિલીમીટર એટલે કે 4 થી 5 ઇંચ જેટલો ભારે વરસાદ થવાની પ્રબળ સંભાવના છે.
ઉત્તર ગુજરાત: સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે.
સૌથી મોટા રાહતના સમાચાર એ ખેડૂતો માટે છે જેમના વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ નથી થયો; આગામી દિવસોમાં આ વિસ્તારોમાં પણ મેઘમહેર થવાની પૂરી શક્યતા છે.
આ પણ વાંચોઃ આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
કચ્છમાં વરસાદ કેમ ખેંચાયો? જાણો કારણ
કચ્છમાં નહિવત્ વરસાદ અંગે અંબાલાલ પટેલે વૈજ્ઞાનિક કારણ આપતા સ્પષ્ટ કર્યું કે, પશ્ચિમ વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) પાકિસ્તાન તરફ ફંટાઈ ગયા છે અને નજીકમાં કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું નથી. બંગાળની ખાડીમાંથી આવતો ભેજવાળો પ્રવાહ મધ્ય ભાગમાં જ વરસી જાય છે અને ચોમાસાની ધરી પર સીધો આગળ વધી જાય છે, જેના કારણે કચ્છ કોરું ધાકોડ રહી ગયું છે.
જોકે, આગામી સમયમાં ઉત્તર સૌરાષ્ટ્રમાં હવામાન પલટાતા કચ્છના રાપર અને આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પરંતુ ખાવડામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
