Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ અંગે એક મોટી અને ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાત માટે ભારેથી અતિભારે સાબિત થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં 10 થી 20 ઈંચ જેટલો અત્યંત ભારે વરસાદ ખાબકવાનું અનુમાન છે. આ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં પણ હજુ વરસાદી માહોલ યથાવત રહેશે.

Continues below advertisement

કેમ પડશે આટલો ભારે વરસાદ?

તમને જણાવી દઈએ કે અત્યારે રાજસ્થાનના પૂર્વ ભાગમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમની સાથે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાંથી આવતા ભેજવાળા પવનો (વહન) ભેગા થતા ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પૂરી શક્યતા ઊભી થઈ છે.

Continues below advertisement

આ વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી

અંબાલાલ પટેલના ચોક્કસ અનુમાન મુજબ, ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની વકી છે. આ સાથે પાટણ અને સાંતલપુર સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. સતત અને ભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાની એટલે કે જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ

અન્ય વિસ્તારોમાં કેવો રહેશે વરસાદી માહોલ?

ઉત્તર ગુજરાત સિવાય રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. બીજી બાજુ, અમદાવાદના લોકો માટે પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે શહેરમાં હજુ પણ વરસાદી ઝાપટાં પડવાનો સિલસલો યથાવત રહેશે, જેથી અમદાવાદીઓએ પણ ઘરની બહાર નીકળતા પહેલા છત્રી કે રેઈનકોટ સાથે રાખવો હિતાવહ છે.

આગામી 3 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હજુ પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત રહેવાની છે. હવામાન વિભાગની (IMD) લેટેસ્ટ આગાહી મુજબ, રાજ્ય પર અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત ખેડા અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવતીકાલ માટે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આ આગાહીને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!