ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એક વખત મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલના જણાવ્યા અનુસાર હાલમાં ઓડિશા બાજુ તારીખ 26 આસપાસ એક લો પ્રેશર બનશે જે ડીપ ડીપ્રેશન સુધી જવાની શક્યતા છે. ઓડિશા, આંધ્રપ્રદેશ,  છત્તીસગઢના ભાગોથી પશ્ચિમના ભાગો સુધી આ ડીપ ડીપ્રેશનની  અસર જોવા મળશે. જેના કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. 26 જૂલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 




હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં   25 અને 26 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે.  જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર ઘટશે. 27 જુલાઈથી 5 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે.   સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. 


ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, મેહસાણા, વિરમગામમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મધ્યગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, આણંદ અને જંબુસરના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.


તારીખ 25 અને 26 જુલાઈમાં  મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કર્ણાટક  અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદના પગલે ગંગા, જમનાના જળસ્તરમાં વધારો થશે અને ઉત્તર ભારતની નદીઓમાં પુર આવવાની શક્યતા છે. 


હવામાન વિભાગની આગાહી


હવામાન વિભાગના મતે કચ્છ-સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 69.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 129.98 ટકા વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સીઝનનો 102.96 ટકા વરસાદ ખાબક્યો છે.


દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ભાવનગર, બોટાદ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial