ગાંધીનગર:  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.  10 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની  આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.  કેટલીક જગ્યાઓએ પુરની સ્થિતી સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. 




મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજનો દિવસ સામાન્ય વરસાદ રહેશે.  આગામી 10 દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.   ભારે પવન અને વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદ પડી શકે છે.  


અંબાલાલ પટેલની આગાહી અનુસાર,  નર્મદા અને સાબરમતી નદી આગામી 10 દિવસોમાં બે કાંઠે વહેતી થશે.  ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  


અમદાવાદના ધોળકા અને ધંધુકા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.  ગોધરા સહિત પંચમહાલના વિસ્તારોમાં હજુ વધારે વરસાદ પડી શકે છે.  ચોટીલા પંથકમાં પણ આગામી 10 દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં પણ આગામી 10 દિવસની અંદર ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  કેટલીક જગ્યાએ પુરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.   આગામી 10 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે.  


13 જિલ્લામાં  વરસાદ વરસ્યો


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 જિલ્લામાં  વરસાદ વરસ્યો છે.  સૌથી વધારે ચાર ઈંચ વરસાદ દાહોદના દેવગઢ બારીયામાં નોંધાયો છે.  13 જિલ્લાના 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  પંચમહાલના જાંબુઘોડામાં પોણા ત્રણ ઇંચ, છોટાઉદેપુરના જેતપુર-પાવીમાં પોણા બે ઇંચ, દાહોદના ધાનપુરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 


અમરેલી જિલ્લામાં વરસાદ


અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદનુ આગમન થયું છે. સવારથી અસહ્ય ઉકળાટ બાદ સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમા વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. હાથસણી, નાના ભમોદ્રા, અમૃતવેલ, ભુવા, ધાર, મોલડી, મોટા ઝિંઝુડા, ઠવી, વીરડી, નાળ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ ચલાલા શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે.


ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો


જેસર તાલુકા પથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. બપોર બાદ વરસાદી વાતાવરણ બધાતા મેઘરાજાએ એન્ટ્રી કરી છે. રાજપરા, રાણપડા, રાણીગામ, ચીરોડ સહિતનાં ગામડાઓમાં વરસાદનું આગમન થયું છે. વાવણી લાયક વરસાદ વરસવાનું શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.