બંદરના બાદશાહ 


1960 અને 70 ના દશકમાં જયારે મુંબઈમાં દાણચોરીના બેતાજ બાદશાહ તરીકે  હાજી મસ્તાન હતા ત્યારે ગુજરાતમાં પોરબંદરના દરિયાકાંઠે નારણ મેપાની હાક વાગતી. પોરબંદરના બંદર પર નારણ મેપાની મરજી વગર કોઈ કામ અસંભવ હતુ. નારણ મેપા લોઢારીનું વર્ચસ્વ વધુ એટલા માટે જામ્યુ કે તેના પરિવારમાં સાતથી આઠ સભ્યો હતા.  સાથે તેની ગેંગમાં ઘરના સભ્ય સમાન નારણ સુધા જેવા ખાસ સાથીદાર હતા. નારણ મેપા લોઢારીએ અનેક વર્ષ બંદર ઉપર એકચક્રી શાસન ચલાવ્યું હતું.




                               (બંદરના બાદશાહ નારણ મેપા લોઢારી )


ખારવાવાડની ખાસીયત


પોરબંદરનું ખારવાવાડ ખૂબ રોચક અને જોવા જેવુ છે. ખૂબ જ સાંકળી શેરીઓ અને તેમાં થોડા આગળ વધો પછી મોટો ચોક આવે અને ત્યાંથી ફરી ચાર રસ્તા પડે જે અલગ-અલગ દિશામાં જાય આ ખારવાવાડની ખાસીયત છે.  ખારવાવાડ વિસ્તારમાં રહેતા ખારવા લોકો ખૂબ ધાર્મિક અને રુઢીચુસ્ત હોય છે. ખારવા સમાજને રામદેવપીરમાં અતુટ શ્રદ્ધા રહેલી છે. ખારવાવાડમાં આસ્થાના મંદિરને  મઢી તરીકે ઓળખવામાં આવે છે. ખારવા સમાજમાં ઉભા થતાં વિવિધ સામાજીક પ્રશ્નોનું નિરાકરણ તેઓ આ  મઢીમાં બેસીને કરતા હોય છે.




                                         (પોરબંદરનો ખારવાવાડ વિસ્તાર)


ખારવા સમાજમાં વાણોટનો દબદબો


મઢીના મોભીને  વાણોટ કહે છે.  વણોટને ખારવા સમાજ દ્રારા ચૂંટવામાં આવે છે. વાણોટ અને તેની સમિતીના સભ્યો કોઈ પણ મુશ્કેલીનું નિરાકરણ ખૂબ જ તટસ્થતાથી કરતા હોય છે. વાણોટનો દબદબો એટલો બધો હોય છે કે જો સરકાર સામે કાંઈ વાકુ પડે અને વાણોટ હાકલ કરે તો બંદર વિસ્તાર અનેક દિવસો સુધી  સંપૂર્ણ બંધ રહે છે. સરકારના અધિકારીઓેએ તેમને મનાવવા મઢીએ આવવું પડે છે. ખારવાવાડ બે ભાગમાં વહેંચાયેલુ છે. એક ભાગ શિતળાચોકથી શરુ થઈ નવાપાડા સુધી જયાં નારણ મેપાએ પોતાનો સિકકો જમાવ્યો હતો. જયારે ખારવાવાડનો બીજો વિસ્તાર વાંદરી ચોકથી બંદર ચોક સુધી ફેલાયેલો હતો અહીં નારણ  સુધા પોસ્તરીયાનો દબદબો જોવા મળતો.  નારણ મેપા લોઢારી અને નારણ સુધા પોસ્તરીયા એક સિક્કાની બે બાજુ હતા. આ બંનેની મંજૂરી વગર બંદર પર કોઈ કામગીરી કરી શકતું નહીં.





પોરબંદરનો મત્સ્ય ઉધોગ વિશ્વભરમાં જાણીતો


પોરબંદરનો મત્સ્ય ઉધોગ ખૂબ મોટો અને વિશ્વભરમાં જાણીતો છે. ગમે તે સિઝનમાં પોરબંદરથી મધદરિયે માછીમારી કરવા જતાં માછીમારો જીવના જોખમે દરિયો ખેડીને માછીમારી કરે છે.   હાલ તો આધુનીક સવલતો સાથેના સાધનોથી સજ્જ બોટ દરિયામાં માછીમારી કરવા જતી જોવા મળે છે પરંતુ આજથી સાત દાયકા પહેલા આધુનીક સાધનોનો અભાવ હતો.  માછીમારોની હિંમત અને કોઠાસૂઝ મજબુત અને અકબંધ હતા. 




                                               (પોરબંદરની મચ્છી માર્કેટ)


ટંડેલ એટલે સમુદ્રના સમ્રાટ


બોટમાં માછીમારો જયારે માછીમારી કરવા નિકળે ત્યારે બોટનું સંચાલન કરતા વ્યક્તિને ટંડેલ તરીકે ઓળખવામાં આવે છે. જહાજમાં કેપ્ટન હોય તેમ  માછીમારી કરતી બોટનું સંચાલન કરનારને ટંડેલ કહે છે.  ટંડેલ ભલે અભણ હોય પરંતુ તેની કોઠાસૂઝ ભલભલા કેપ્ટનને પણ ભુલાવી દે તેવી હોય છે.ટંડેલ આકાશના તારા, દરિયાનું પાણી તેમજ પવનની દિશા જોઈ દરિયામાં બોટનું સંચાલન કરતા હોય છે. બોટને કોઈપણ મુશ્કેલી વગર પરત લાવવાની જવાબદારી ટંડેલની હોય છે. માછીમારી કરવા જતાં સમયે તેઓ ખાવા-પીવા માટે સાતથી દસ દિવસ ચાલે તેટલી ખાદ્યસામગ્રી બોટમાં રાખતા હોય છે.






મત્સ્ય ઉધોગથી માફિયા સુધીની સફર


આઠથી દસ દિવસ દરિયામાં માછીમારી કરીને જ્યારે પરત ફરે ત્યારે બંદર પર બોટને લાંગરવામાં આવે છે. અહીંથી પોતાનો માલ બંદર કિનારે ઉતારી ટ્રાન્સપોર્ટ દ્વારા કારખાનામાં પહોંચાડતા હોય છે.   મત્સ્ય ઉધોગ સાથે સંકળાયેલા વેપારીઓ બંદર પર  માલ સામાન બોટમાંથી ઉતારે તે નારણ મેપાના નારણ ટ્રાન્સપોર્ટથી જ તેની હેરફેર કરવામાં આવતી. વેપારીઓ અન્ય ટ્રાન્સપોર્ટમાં માલનું પરિવહન કરે તો  નારણ મેપાનો માનસીક ત્રાસ સહન કરવો પડતો અને આર્થિક નુકશાની સહન કરવાનો  વારો આવતો. તે સમયે નારણ મેપાના નારણ ટ્રાન્સપોર્ટ સિવાય અન્ય કોઈ ટ્રાન્સપોર્ટર અન્ય શહેરોમાં માલની હેરફેર કરી શકતા નહીં.  વર્ષો બાદ ટ્રાન્સપોર્ટના ધંધામાં પોરબંદરના ગેંગસ્ટર હીરાલાલ શિયાળ ઉર્ફે હીકુ ગગનની એન્ટ્રી થઈ. તેના ડાયમંડ ટ્રાન્સપોર્ટે પોરબંદરમાં સિક્કો જમાવ્યો જે  હાલ સુધી કાર્યરત છે.




                                       (પોરબંદર બંદર પર લાંગરાયેલી બોટો)


ચોરીથી દાણચોરીની કહાની


નારણ મેપાની એક ખાસિયત હતી તે કયારેય દાણચોરીમાં સંકળાયેલો ન હતો. મુંબઈ સહિતના શહેરોમાં વસતા દાણચોરો અઢળક કમાણી કરી વૈભવી જીવન જીવતા હતા. પરંતુ તેમનો આ વૈભવી ઠાઠ પોરબંદરના નારણ મેપા લોઢારીને કયારેય આકર્ષી શક્યો નહી. જો કે નારણ મેપાના સાથી નારણ સુધા પોસ્તરીયાનુ નામ પણ એ સમયે દાણચોરી સાથે સંકળાયું હતું. મુંબઈ અને દમણના દરિયા કિનારે દાણચોરો પોતાનો માલ ઉતારતા જે  કસ્ટમ વિભાગને ધ્યાને આવતા સતર્ક થયું હતું.  હવે દાણચોરો નવા લેન્ડીંગ પોઈન્ટ તરીકે પોરબંદરના દરિયા કિનારાને પસંદ કરવા લાગ્યા.  પોરબંદરના દરિયામાં દાણચોરીની શરુઆત થતા કસ્ટમના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા. દાણચોરીનો માલ પકડવા તેઓેએ ખૂબ કમરકસી હતી પરંતુ તેમને સફળતા મળી નહી.  એક દિવસ કસ્ટમના અધિકારીઓને દિવના દરિયામાં વહાણથી દાણચોરીનો સામાન આવતો હોવાની બાતમી મળી અને તે માલ પકડવામાં કસ્ટમના અધિકારીઓને સફળતા મળી.  આ કેસમાં દાણચોર તરીકે પોરબંદરના નારણ સુઘા પોસ્તરીયાનું નામ ખુલે છે. કસ્ટમના અધિકારીઓેએ નારણ સુધા વિરુધ્ધ કોફેપોસા (COFEPOSA) એટલે કે  (વિદેશી વિનિમયનું સંરક્ષણ અને દાણચોરી નિવારણ પ્રવૃત્તિ અધિનિયમ) હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી. નારણ સુધાને અમદાવાદની  સાબરમતી જેલમાં 27 દિવસ સુધી રાખવામાં આવ્યો હતો. બાદમાં નારણ સુધાને જામીન મળતા તે બહાર આવ્યો અને દિવના દાણચોરીના કેસમાં વર્ષો બાદ નિર્દોષ સાબિત થયો હતો. 





                                        (70ના દશકમાં મુંબઈ બંદર પર હાજી મસ્તાન)


બસ અહીંથી પોરબંદરની દાણચોરીનો સિલસિલો ચાલુ થાય છે જે સમયાંતરે મનુ રાયચુરા, ગોવિંદ તોરણીયા ઉર્ફે ગોવિંદ ટીટી, મમુમિયાં પંજુમિયાં, લાલજી પાંજરી, ભીખુ દાઢી, કાળીયો બાલી, કાનજી ફુલી જેવા અનેક દાણચોરોનો ઉદય કરે છે.


(ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-6માં આપણે વાંચીશુ નારણ મેપા અને નારણ સુધા ગેંગની કાળી કમાણીની વાત.) 


એક સમયે દાણચોરી માટે કુખ્યાત હતું પોરબંદર, માફિયાઓના રાજમાં જેલો કરવી પડતી બંધ (ભાગ-1)


ગેંગ્સ ઓફ પોરબંદર પાર્ટ 2 : ગાંધીજીની જન્મભૂમિ કઈ રીતે બની હિંસાનું કેંદ્ર


ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ -3: પોરબંદરના પ્રખ્યાત રાણો,પાણો અને ભાણો અને ખમીરવંતા ખારવાનો ઈતિહાસ


ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-4: દાણચોરીનો દરિયો પોરબંદર