Banaskantha News: બનાસકાંઠામાં એક નકલી સરકારી અધિકારી બની ફ્રોડ કરતાં ફરિયાદ  નોંધાય છે. લોન અપાવવાના બહાને 28 થી વધુ ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે. ગાંધીનગરમાં ખેતીવાડી વિભાગના નોકરી કરતા હોવાની ઓળખ આપી ખેડૂતોને છેતર્યા છે. ખેડૂતોને સરકારી યોજનામાં લોન અપાવવાના બહાને પૈસા પડાવ્યા. પશુ અને હોમ લોન સબસીડી સાથે અપાવવાના બહાને ખેડૂતો પાસેથી પૈસા પડાવ્યા છે. ખેડૂતોને પાસેથી 10.68 લાખ ખંખેરી જતા 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાભી અને ઓઝા સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. થરાદ પોલીસે સમગ્ર મામલે વઘુ તપાસ હાથ ધરી છે.


થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભામાં સત્ર દરમિયાન સરકારે અનેક પ્રશ્નોના જવાબો આપ્યા હતા, ત્યારે કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા સરકારને ગૃહમાં ઘેરવાનો પ્રયાસ થયો હતો. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં સરકાર સામે નકલી કાંડના મુદ્દાને ઉછાળ્યો હતો, આ મુદ્દા બાદ કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


શિયાળુ સત્રમાં કોંગ્રેસી ધારાસભ્યોએ સરકાર સામે પ્રશ્નોત્તરી કરીને જવાબો માંગ્યા હતા, જેમાં આજે વિધાનસભા ગૃહમાં 'નકલીકાંડ'નો મુદ્દો ગુંજ્યો હતો. નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા આજે આ મુદ્દે ગૃહમાંથી વૉકઆઉટ કર્યુ હતું. સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મુક્યો હતો કે, વિપક્ષ પેટા પ્રશ્નો પુછી શકે છે, પણ વર્તન અયોગ્ય છે. કોંગ્રેસ પક્ષના નેતાએ એક દિવસ દિવસે સસ્પેન્ડ કરવા દરખાસ્ત પણ કરાઇ હતી, જે પછી મંત્રી બળવંતસિંહ રાજપૂતે દરખાસ્તને ટેકો આપ્યો હતો. અંતે કોંગ્રેસના હાજર તમામ ધારાસભ્યો એ દિવસની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. વિધાનસભા ગૃહમાં ફરી એકવાર જોરશોરથી નકલી કચેરીકાંડનો મુદ્દો ગુંજ્યો હતો. કોંગ્રેસી ધારાસભ્યોએ નકલી કચેરીકાંડને લઈને ગૃહમાં નારા પણ લગાવ્યા હતા. આ પછી કોંગ્રેસેના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. 


 વિધાનસભા ગૃહમાં હોબાળાની સ્થિતિ જોવા મળી હતી, ગૃહમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોએ સામ-સામે નારા લગાવ્યા હતા. એકબાજુ નકલીકાંડ બંધ કરોના કોંગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા તો, સામે ભાજપે પણ નારા લગાવીને વિરોધ કર્યો હતો. 


આ તમામ મુદ્દો છોટાઉદેપુરમાં સામે આવેલી નકલી કચેરીનો હતો. આ મામલે સરાકરે જવાબ આપ્યો કે, જે નકલી કચેરીઓ ઝડપાઈ તેની જાણ થતા જ કાર્યવાહી કરાઇ, જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરાઈ. નાણાની રિકવરી અંગે ન્યાયિક તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરાશે. આદિજાતિ વિભાગે 21 કરોડની રકમ નકલી કચેરીઓને ફાળવી હતી, 2016-17થી નકલી કચેરી ચાલતી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. સરકારના જવાબ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા હતા. તેમને નકલી અધિકારી, નકલી પોલીસ, નકલી કચેરીના નારા લગાવ્યા હતા.