Gujarat Rain Update: વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. તાપીના ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ ખેતરો જળમગ્ન બન્યાં છે.  ડોલવણમાં ચાર કલાકમાં 5.71 ઈંચ વરસાદથી નદીઓમાં પૂર આવ્યાં છે. ડોલવણમાંથી પસાર થતી તમામ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ઓલણ, અંબિકા, ઝાંખરી સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે. ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ડોલવણમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

સુરત જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદની ધૂંવાધાર બેટીંગ યથાવત છે. બારડોલી શહેર અને તાલુકામાં બીજા દિવસે વરસાદ વરસતા  ખાસ કરીને શાકભાજીના પાકને નુકસાન પહોંચી રહ્યું છે જો કે,સતત વરસાદ ડાંગરના પાક માટે સાબિત થશે આશીર્વાદરૂપ થઇ રહ્યો છે.સુરતની કીમ નદીમાં ભારે પાણીની આવકથી અનેક રસ્તા બંધ થયા છે. માંગરોળના વેલાછા ગામથી સેઠી ગામ જતો માર્ગ બંધ થયો છે. લો લેવલ કોઝવે પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. રસ્તા બંધ થતાં સ્થાનિકોને 10 કિમીનો ફેરો ફરવા મજબૂર બન્યા છે.

નવસારીના ઉપરવાસમાં વરસાદથી કાવેરી નદી બે કાંઠે વહી રહી રહી છે. ચીખલીથી પસાર થતી કાવેરી નદીની જળસપાટી 17 ફૂટ પર પહોંચી છે.  કાવેરી નદી હવે ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર છે. ભારે વરસાદના કારણે પ્રાચીન તડકેશ્વર મહાદેવ મંદિર ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઇ ગયું છે. કાવેરી નદી પર બનાવવામાં આવેલો લો લાઈ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. કોઝ-વે પર પાણી ફરી વળતા લોકોને દૂર રહેવા પ્રશાસનને અપીલ કરી છે.

આણંદ શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઇ છે. આણંદ શહેર અને ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ  વરસ્યો છે. વઘાસી, મોગર, બાકરોલ, કરમસદ, ચિખોદરા તાલુકામાં સારા વરસાદે ખેડૂતોને ખુશ ખુશાલ કરી દીધા છે.  આણંદ શહેરના 100 ફૂટ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર ધોધમાર વરસાદના કારણે પાણી ભરાયા છે. મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

મહિસાગરના બાલાસિનોરમાં  ધોધમાર વરસાદ નોંધાયો છે. બાલાસિનોર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે, ભારે વરસાદથી અંબે માતા ચોકમાં પાણી ભરાઇ ગયા છે.જનોડ રોડ, બાલાસિનોર- લુણાવાડા હાઈવે પર  પણ પાણી ભરાયા છે. વરસાદના કારણે પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યાં છે.

ખેડા જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ ધુંવાધાર એન્ટ્રી કરી, નડિયાદ શહેરમાં અત્યાર સુધીમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રબારીવાડ, વીકેવી રોડ, શ્રેયસ ગરનાળામાં પાણી ભરાયા છે. માઈ મંદિર ગરનાળા, ખોડિયાર ગરનાળુ પાણીમાં ગરકાવ થયું છે. નડિયાદના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.

ભાવનગરના મહુવા તાલુકામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. દસ દિવસના વિરામ બાદ શહેર-ગ્રામ્ય વિસ્તારમાંગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં  વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. શહેરના સ્ટેશન રોડ, ગાંધીબાગ, શરાફ બજાર વિસ્તારમાં, વાસી તળાવ, ખારના જાપા, નવા જાપા વિસ્તારમાં મૂશળધાર વરસાદ વરસતાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.