Amreli News: બગસરા નગર પાલિકા પ્રમુખે વિવાદાસ્પદ ઠરાવ કર્યો છે. જે મુજબ સામાન્ય સભામાં લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિ હાજર રહી શકશે અને સામાન્ય સભામાં નગરપાલિકાના પ્રમુખોને મોબાઈલ લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રમુખ જ્યોત્સનાબેન રિબડીયાએ ઠરાવ બહાર પાડ્યો છે. મહિલા સભ્યના લોહીના સંબંધ ધરાવતી વ્યક્તિ પ્રતિનિધિ તરીકે હાજર રહી શકશે તેવો ઠરાવ છે. મહિલા સદસ્યના લોહીના સબંધ ધરાવતી કોણ વ્યક્તિ પ્રતિનિધિ તરીકે હાજર રહેશે તેના નામની જાણ અગાઉ કરવાનો ઠરાવમાં ઉલલ્લેખ કર્યો છે.
મહિલા પ્રમુખના પતિએ શું કહ્યું
મહિલા પ્રમુખના પતિ એ વી રિબડીયાએ કહ્યું, વિપક્ષના સભ્યો કોઈ મુદ્દે ચર્ચા નથી કરવા દેતા. મહિલા સભ્યના પ્રતિનિધિ સભામાં આવે તો વિક્ષેપ થતો, હવેથી લોહીના સંબંધ ધરાવતા પ્રતિનિધિ જ હાજર રહી શકશે. બગસરા નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ માટે નવા પ્રમુખ પદે જ્યોત્સનાબેન રિબડીયાની થોડા દિવસ પહેલા વરણી કરવામાં આવી છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, મહિલા સશક્તિકરણની ફક્ત ગુલબાંગો છે. મહિલા ચૂંટાયા છે તો કેમ તેના પરિવારજનો વહિવટ કરે છે. આ ઠરાવ ભાજપની માનસિકતાને છતી કરે છે.
જિલ્લા ભાજપ પ્રમુખે શું કહ્યું
બગસરા પાલિકાના વિચિત્ર ઠરાવ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખની વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ રાજેશભાઇ કાબરીયાએ કહ્યું, મહિલા સદસ્યના બ્લડ રિલેશનમાં આવતા પોતાના કાકા, ભાઈ, બહેનને પોતાની સલામતી માટે સાથે જઇ શકશે. બગસરા નગરપાલિકામાં વહીવટ મહિલાઓજ કરવાની છે પરંતુ તેમની સલામતી માટે બ્લડના રિલેશન સાથે હોય તો સલામત સમજે છે.
ભાજપના રાજમાં મહિલાઓ સલામત હોવાના દાવાઓ થઈ રહ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખના વિવાદિત નિવેદનને લઈ બગસરા પાલિકામાં જ મહિલા સદસ્યોની સલામતી સામે સવાલો ઉઠ્યા છે.
ગત તારીખ 3-10-2023ના રોજ બગસરા નગરપાલિકાના ચૂંટાઈને આવેલા પ્રમુખ-ઉપપ્રમુખ અને સદસ્યોએ ઠરાવ પસાર કર્યો છે કે નગરપાલિકાની સામાન્ય સભાની મિટિંગ મળે ત્યારે મહિલા સદસ્યના બદલે તેમના લોહીના સંબંધ હોય તે વ્યક્તિ પણ હાજર રહી શકશે. એટલે કે મહિલા સદસ્યના બદલે તેમના પતિ વહીવટ કરી શકશે. એક તરફ સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે તો બીજી બાજું બગસરા નગરપાલિકાએ મહિલા સદસ્યોના અધિકાર છીનવી લેતો ઠરાવ પસાર કર્યો છે. ચોંકાવનારી વાત તો છે એ છે કે બગસરા નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન રાબડીયા છે અને આ સિવાય નગરપાલિકામાં 14 મહિલા સદસ્યો છે.