અમરેલી: અમરેલીના ધારીમાં દીપડાનો કહેર સામે આવ્યો છે. માનવભક્ષી બનેલા દીપડાએ સાળા-બનેવીને ફાડી ખાધા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ધારીના મોણવેલ ગામે સીમમાંથી દીપડાએ ખાધેલી હાલતમાં બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ બંને યુવાનો ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ માનવભક્ષી દીપડાનો શિકાર બનતા બંનેના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી દીપડાની શોધખોળ હાથ ધરી હતી.




 કરસનભાઇ ભીખાભાઇ સાગઠીયા અને ભૂટાભાઇ અર્જુનભાઇ વાળા બંને એક જ વાડીએ રહી ખેતમજૂરીનું કામ કરતા હતા. ગત રાત્રે બંનેનો દીપડાએ શિકાર કર્યો હોવાનું અનુમાન છે. કરસનભાઇ અને ભૂટાભાઇ બંને સાળા-બનેવી થતા હતા. અકાળે બનેલી ઘટનાના કારણે બંને પરિવારો પર આભ તૂટી પડ્યું હતું. દીપડાઓના માનવીઓ પર હુમલાઓને લઇને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.



બીજી તરફ ધારી ગીર પૂર્વના સાવરકુંડલા રેન્જના મોટા સોસરીયા બીટમાં એક જ દિવસમાં બીજી વખત દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. મુકેશભાઈ કાળુભાઇ દેવરા (ઉ.વ23) નામનો યુવાન ખેતરમાં ખેતી કામ કરતો હતો ત્યારે તેના પર દીપડાએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થ વંડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગઈકાલે અમરેલીના ચાંપાથળમાં 5 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો. દીપડાઓના માનવીઓ પર હુમલાઓ અને વનવિભાગની ઢીલીનીતિ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.

UP સહિત 17 રાજ્યોની પેટા ચૂંટણી માટે ભાજપે 32 ઉમેદવારોની યાદી કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ