અમદાવાદ : આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રીનાં પ્રારંભે નગરદેવી ભદ્રકાળી માતાજી ,અંબાજી, ચોટિલા, હરસિદ્ધિ માતાનાં મંદિરે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ વર્ષે વરસાદના કારણે ખેલૈયાઓ ચિંતિંત છે. વરસાદી માહોલને લઈને શહેરની ક્લબોમાં નવરાત્રિના આયોજન પર અસર પડી છે. મોટાભાગની ક્લબોમાં પહેલા બે દિવસના ગરબા કેન્સલ કરવામાં આવ્યા છે. કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, વાયએમસીએ કલબ બેબીલોન, ક્લબ ઓ-7 દ્ધારા નવરાત્રીના બે દિવસના ગરબા રદ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે તેવામાં વરસાદ ગરબાના ચાહકોને નિરાશ કરી શકે છે.


શક્તિપૂજા એ આપણી સંસ્કૃતિની આગવી અને ઉજ્જ્વળ પરંપરા છે. ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે શક્તિપીઠ મા અંબાના કલ્યાણકારી દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. તો અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ નવરાત્રીમાં વરસાદ વિધ્ન બન્યો છે ત્યારે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ગરબા યોજનારા 63 આયોજકમાંથી ચાલુ વર્ષે માત્ર 45 આયોજકોએ પોલીસ કમિશનર કચેરીમાં મંજૂરી માંગી છે.