અમરેલીઃ તમિલનાડુના કુન્નુરમાં બુધવારે બનેલી ગમખ્વાર દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત 14 લોકોનું  દુઃખદ નિધન થયું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને લઈને જઈ રહેલું ઈન્ડિયન એરફોર્સનું  MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જનરલ બિપિન રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હતા.


જનરલ  બિપિન રાવતન નિધનને કારણે આખો દેશ શોકમગ્ન છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના ભેરાઈ ગામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ અંગે ગંદી  ટિપ્પણી કરી હતી. શિવા આહીર નામના આ યુવકે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર જનરલ  બિપિન રાવતન નિધન અંગે વાંધાજનક લખાણ લખતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.


શિવા આહીરે પોતાના ફેસબૂક એકાઉન્ટમાં વિવાદીત અને અભદ્ર  ટીપ્પણી પોસ્ટ કરી હતી. આ ઘટનાની જાણ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી. તેમણે તાત્કાલિક તપાસ કરીને પોસ્ટ મૂકનારની ભાળ મેળવી હતી. એ પછી  ભેરાઈ ગામથી શિવા આહીરની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં શિવા આહીર સામે ફરિયાદ નોંધી તેની પૂછપરછ થઈ રહી છે.


આ બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું કે, બિપિન રાવતના નિધન બાદ સોશિયલ મીડિયામાં લાગણી દુઃભાય એવું અભદ્ર લખાણ લખનારી  વ્યક્તિને અમે અમરેલીથી પકડી લીધો છે. આ વ્યક્તિ માત્ર જનરલ બિપિન રાવત જ નહિં પણ સમાજમાં બીજા વર્ગો વચ્ચે ઘર્ષણ  થાય તેવાં લખાણ પણ લખતો હતો. આરોપીની અમે અમરેલીથી પકડીને લાવ્યા છીએ અને વધુ તપાસ શરૂ કરી છે.


તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા CDS બિપિન રાવત અને તેમની પત્નીના પાર્થિવ દેહને આજે લશ્કરી વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવશે. આવતીકાલે રાવતના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે. લોકો સવારે 11 થી 2 વાગ્યા સુધી રાવતને અંતિમ સલામી આપી શકશે. તે જ સમયે, બે વાગ્યા પછી, રાવતના અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ થશે. સાંજે 7.45 વાગ્યાથી મૃતદેહને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.