રાજ્યમાં ઠંડીના ચમકારો જોવા મળશે. રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીનું જોર વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તરીય પવનોના કારણે ઠંડીમાં વધારો થશે.
નલિયામાં ડિસેમ્બર દરમિયાન તાપમાન પાંચ ડિગ્રીથી નીચે જતું જ હોય છે. ગત વર્ષે ૧૮ ડિસેમ્બરે ૨.૫ ડિગ્રી સાથે છેલ્લા ૧૦ વર્ષમાં ડિસેમ્બરનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાન ૧૭ અને દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન ૩૧.૩ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં આગામી 2 દિવસમાં લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ રહી શકે છે.
રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે જેના કારણે ડિસેમ્બર મહિનો શરૂ થયો હોવા છતાં જોઈએ તેવી ઠંડી પડી નથી. સમગ્ર રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યાં છે. હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ વિખેરાઈ ગઈ છે. જેના કારણે ઠંડી જમાવટ કરી રહી છે. લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લાં બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવન શરૂ થયા છે. તાપમાનમાં મોટો ફેરફાર ન થતાં લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. જોકે આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી ઘટીને 29 ડિગ્રી આસપાસ અને લઘુતમ 4 ડિગ્રી વધીને 17.7 ડિગ્રી નોંધાયુ હતું. મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવા છતાં લઘુતમ તાપમાન ન ઘટતાં લોકોએ દિવસમાં ડબલ સિઝનનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં 12.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. રાજ્યના વિવિધ શહેરોમાં હજી પણ મહતમ તાપમાન 30 ડિગ્રી રહેતાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બેવડી ઋતુને કારણે લોકો વાયરલ ઈન્ફેક્શન સહિતના રોગોના શિકાર બની રહ્યાં છે.
રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી મોટાભાગના શહેરના લઘુતમ અને મહતમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ શહેરોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જેના કારણે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી બે દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.