Amreli News: સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ. એનડીઆરએફ (NDRF) અને અમરેલી ફાયર વિભાગ (Amreli Fire Brigade) દ્વારા આરોહીના મૃતદેહ ને બોરમાંથી બહાર કાઢ્યો. 17 કલાક સુધી આરોહીને બોરમાંથી જીવીત કાઢવા માટે ઓપરેશન (Rescue operation) ચાલ્યું પરંતુ બહાર કાઢ્યા પહેલા જ બાળકી જીંદગીનો જંગ હારી ગઈ. આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે વાતાવરણ ગમગીન થઈ ગયું હતું.


45 થી 50 ફૂટના અંતરે ફસાઈ હતી આરોહી


શુક્રવારે બપોરે અમરેલી જિલ્લાના સુરાગપુર ગામમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી હોવાની જાણ થતા પોલીસ, NDRF, ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકીને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપેરશન હાથ ધર્યું હતું. અમરેલીના સુરાગપુર ગામમાં ખેતમજૂરી કરતા એક પરિવારની દોઢ વર્ષની આરોહી નામની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી જતાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા 108ની ટીમને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બોરવેલમાં ઓક્સિજન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બાળકી બોરવેલમાં 45થી 50 ફૂટના અંતરે ફસાઈ હતી.




સૌરાષ્ટ્રમાં માત્ર એક વર્ષમાં બોરવેલમાં બાળક ફસાવવાની આ ચોથી ઘટના સામે આવી છે. ગયા વર્ષે 3 જૂનના રોજ, મધ્યપ્રદેશના ખેતમજૂરની બે વર્ષની બાળકી જામનગર શહેરના પૂર્વ બાજુના તમચણ ગામમાં ખેતરમાં બોરવેલમાં પડી હતી. બચાવકર્મીઓ તેના મૃતદેહને માત્ર 20 ફૂટની ઊંડાઈથી બહાર કાઢી શક્યા હતા. 1 જાન્યુઆરીના રોજ, જામનગર શહેરથી લગભગ 90 કિમી પશ્ચિમે આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પડોશી ગામ રાણમાં એક બે વર્ષની બાળકી ઘરના આગળના યાર્ડમાં આવેલા બોરવેલમાં પડી ગઈ હતી. NDRF ની 6ઠ્ઠી બટાલિયનની આગેવાની હેઠળની સંયુક્ત બચાવ ટીમ દ્વારા લગભગ 35 ફૂટની ઊંડાઈએ ફસાયેલી છોકરીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી, તે પણ બચી શકી ન હતી.


થોડા મહિના પહેલા વડોદરાના છાણીમાં બાળકી બોરવેલમાં ગરકાવ થઇ ગઇ હતી. કન્સ્ટ્રક્શન સાઈટ પાસેના બોરવેલમાં બાળકી પડી હતી. શ્રમિકની બાળકી રમતા-રમતા 10 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઇ હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને બાળકીનું રેસ્ક્યૂ કર્યું હતું. કલાકની જહેમત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજ્યું હતું.