Amreli: અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં બપોર બાદ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ શર થયો છે. જાફરાબાદ સહિત ગ્રામ્યમાં વરસાદ છે. પવનની ગતિમાં વધારો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. જાફરાબાદ, કોસ્ટલ બેલ્ટ વિસ્તારના નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, લોર, હેમાળ સહિતના ગામોમાં વરસાદ છે.



સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના રિદ્ધિ સિદ્ધિ ચોક, મહુવા રોડ, માર્કેટિંગ યાર્ડ વિસ્તાર, એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર, જેસર રોડ, શિવાજીનગર સહિતના શહેરના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ભારે બફારા બાદ વરસાદ આવતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામે મુશળધાર વરસાદ પડ્યો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત હતા.




રાજકોટ જિલ્લાના જસદણ આટકોટ સહિત વિસ્તારોમાં વરસાદ છે. જસદણ પંથકમાં આટકોટ, ચિતલીયામાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો  હતા. બપોર બાદ ધોધમાર વરસાદ ખાબકતાં રસ્તા પરથી પાણી વહેતા થયા હતા. લોકોને ગરમી અને ઉકાળાટથી રાહત મળી હતી. લાંબા વિરામ બાદ આજે વરસાદ વરસ્યો હતો. જસદણના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.




હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં વીજળીના ચમકારા અને પવન ફૂંકાવવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચાલો, જાણીએ આગામી સમયમાં રાજ્યના કયા ભાગોમાં વરસાદ ખાબકવાની સંભાવના છે. 28મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદ સંભાવના છે. સાથે જ ઉત્તર ગુજરાતના પંચમહાલ અને દાહોદ, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 29મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની સંભાવના છે. 30મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથમાં હળવા વરસાદની સંભાવના છે. 1લી ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. 2 ઓક્ટોબરે ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. 3 ઓક્ટોબરે ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.