સાવરકુંડલાઃ અમરેલી જિલ્લામાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. સાવરકુંડલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાઘવભાઈ સાવલિયાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ટર્મ પૂરી થયા બાદ રાજીનામું આપતો પત્ર તેમણે લખ્યો છે. જેમાં વિપક્ષ નેતા ધાનાણી અને કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ નિષ્ફળ હોવાનો લેટરમાં આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે.


લેટરમાં તેમણે લ્ખ્યું કે, આજદિન સુધીમાં સૌથી નિષ્ફળ વિપક્ષના નેતાના સમયમાં 15થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડીને જતા રહ્યા છે. પક્ષે સૌથી વધુ રાજકીય નુકસાની અને નામોશી ભોગવવી પડી છે તો પણ તેમને દૂર કરવામાં આતા નથી. પ્રભાર રાજીવ સાતવ પણ નિષ્ફળ છે. મેં 1200 કરોડ કા માલિક હું જેવા નિવેદનો જવાબદાર આગેવાનો સામે કરે તે પણ કોંગ્રેસ પક્ષના સિદ્ધાંતો-મૂલ્યો સાથે છળકપટ છે.



તાજેતરમાં અમરેલી જીલ્લામાં કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે જેમની નિમણૂક કરાઈ છે તે પણ પક્ષના બંધારણ અને પરંપરાની ઉપરવટ જઈને થઈ છે. પત્રના અંતમાં તેમણે લખ્યું છે કે, ઘણા કારણોથી સંગઠનમાં કામ કરવું મારા માટે મુશ્કેલ બન્યું છે. તેથી વ્યથિત હૃદયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું.