Asiatic lion: એશિયાટિક સિંહની ડણક સામાન્ય રીતે ગીરમાં સાંભળવા મળે છે. જંગલમાં વિચરતા સિંહોને જોવા માટે દુનિયાભરથી પ્રવાસીઓ ગીરની મુલાકાત લે છે. જો કે હવે દક્ષિણ ગુજરાતના લોકો માટે ગીર સુધી લાંબા નહીં થવું પડે. વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં બનાવેલ લાયન સફારીમાં સિંહને વિચરતા જોઈ શકાશે. પાટનગર સેલવાસથી 12 કિલોમીટર દૂર આવેલા વાસોણા લાયન સફારી પાર્કમાં ગુજરાતમાંથી ત્રણ સિંહ લાવવામાં આવ્યા છે.


જંગલનો રાજા એટલે સિંહ.  સામાન્ય રીતે સિંહને જોવા માટે આપણે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોઈએ છીએ, પરંતુ નાનકડા પાંજરામાં ડાલામથ્થાને જોવા કરતા જંગલમાં વિચારતા સિંહને જોવાનો નજારો કંઈક અલગ જ હોય છે. સમગ્ર વિશ્વમાં એશિયાટીક સિંહ માત્ર ગીરમાં જોવા મળે છે. જોકે હવે વલસાડની નજીક આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ ડાલા મથ્થાની ડણક સાંભળવા મળી રહી છે.  દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસથી 12 કિલોમીટર દૂર આવેલા વાસોણા વિસ્તારમાં લાયન સફારી પાર્ક બનાવવામાં આવેલું છે. 20 હેક્ટર વિસ્તારમાં બનાવેલ આ લાયન આ સફારી પાર્કમાં હવે ત્રણ સિંહ જોવા મળી રહ્યા છે.


આ ત્રણ સિંહ કુદરતી જંગલ વિસ્તારમાં વિચારતા જોવા મળી રહ્યા છે. આ સફારી પાર્કમાં હાલ અશોકા નામનો સિંહ અને ગિરજા અને મીરા નામની સિંહણ રાખવામાં આવેલી છે. દાદર નગર હવેલી પ્રશાસન માટે આજે ગર્વનો દિવસ હતો એક સાથે આ જંગલ સફારીમાં ત્રણ સિંહ કુદરતી વાતાવરણમાં વિચારતા જોવા મળી રહ્યા છે.


દાદરા નગર હવેલી એક પ્રવાસન સ્થળ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે આવે છે. જંગલ પહાડો અને નદીઓ જેવા કુદરતી વાતાવરણને માણવા આવતા પ્રવાસીઓ માટે લાયન સફારી પાર્ક એક નવું નજરાણું જોવા મળી રહ્યું છે. વરસે દહાડે અહીંયા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને આ હિંસક વન્યજીવને જોવા માટે વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ લાયન સફારીમાં પ્રવાસીઓ માટે ખાસ બે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર 25 રૂપિયા જેવી નજીવી ટિકિટમાં પ્રવાસીઓ અડધો કલાક સુધી આ 25 હેક્ટરમાં બનાવવામાં આવેલ જંગલમાં સિંહના દર્શન કરે છે. 


પ્રવાસીઓને સિંહદર્શન માટે અગાઉ ગીર જવું પડતું હતું પરંતુ હવે દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓ નજીકમાં જ સિંહ દર્શન કરી શકે છે. અહીં રોજ અનેક શાળાના વિદ્યાર્થીઓ પણ ખાસ પિકનિક માટે આવતા હોય છે. આ લાયન સફારીમાં 7 વર્ષીય અશોકા નામનો સિંહ,12 વર્ષીય મીરા અને 13 વર્ષીય ગિરજા  નામની સિંહણ  જંગલમાં મુક્ત પણે વિચરણ કરે છે. દાદરા નગર હવેલીના જંગલ વિસ્તારને જોવા આવતા વિદ્યાર્થીઓ માટે લાયન સફારી પાર્ક એક અનોખો અનુભવ પૂરો પાડે છે. બાળકોને નજીકથી જંગલમાં વિચારતા સિંહો ને જોવાનો લ્હાવો મળી રહ્યો  મળે છે.


સંઘપ્રદેશ દાદાર નગર હવેલીના પ્રવાસનને વેગ આપવા માટે બનાવેલા આ લાયન સફારી પાર્ક થકી લોકોને ઘર બેઠા સિંહ દર્શનનો મોકો મળી રહ્યો છે. અગાઉ આ લાઈન સફારીમાં માત્ર એક જ સિંહ હતો. જો કે હવે સિંહ અને સિંહણનું એક જોડું ગુજરાતથી લાવવામાં આવેલું છે અને આવતા દિવસોમાં આ સિંહના પરિવારમાં નાના બચ્ચાઓ પણ જોવા મળે તો નવાઈ નહીં. ત્યારે એશિયાટીક લાયન જોવા અને તેના કુદરતી વાતાવરણમાં સિહોને નિહાળવા માટે ગીર જવું ફરજિયાત હતું.પરંતુ હવે દાદરા નગર હવેલીના લાયન સફારી પાર્ક વિદ્યાર્થીઓ સહિત દરેક ઉંમરના લોકો માટે એક નજરાણું પુરવાર થઈ રહ્યું છે.