માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એકમ કસોટીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 28 ડીસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 9થી 12ની એકમ કસોટીનો અભ્યાસક્રમ જાહેર થયો છે.


ઓક્ટોબર અને નવેમ્બર માસના અભ્યાસક્રમના આધારે એકમ કસોટી લેવામાં આવશે. પાંચમી એકમ કસોટીની માહિતી જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવામાં આવી છે.

નોંધનીય છે કે, શાળા શરૂ કરવાની અને પ્રાથમિક શાળામાં માસ પ્રમોશન બાબતે ગઈકાલે શિક્ષણમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. રાજયમાં શાળા શરૂ કરવા બાબતે રાજય સરકારની હાલ કોઈ વિચારણા ના હોવાની શિક્ષણમંત્રીએ સ્પષ્ટતા કરી હતી.

રાજય સરકાર યોગ્ય સમયે શાળા શરૂ કરવાનો નિર્ણય લઈ શકે છે. દિવાળી બાદ 23 નવેમ્બરથી રાજય સરકારે શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, કેસમાં વધારો થતા આ નિર્ણય મોકુફ રખાયો હતો. પ્રાથમિક શાળામાં માસ પ્રમોશન અંગે પણ હાલ કોઈ નિર્ણય લેવાયો ના હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષના શૈક્ષણિક સત્રમાં શાળાઓ શરૂ નહીં થાય તેવી શક્યતા છે. નવા સત્રથી જ શાળા શરૂ કરવાનું સરકારનું આયોજન હોવાનું સૂત્રોનું માનવું છે.